વલસાડ જિલ્લો

તિથલમાં યોજાયેલી ‘યુનિટી મેરેથોન’માં 800થી વધુ લોકો જોડાયા

જાહેર સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે વલસાડ શહેર અને જિલ્લો હંમેશા અગ્રેસર અને સક્રિય રહ્યો છે, જેના ભાગરૂપે વલસાડમાં દર વર્ષે અલગ-અલગ 3 મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. આ જ શ્રેણીમાં વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા તિથલના રમણીય દરિયાકિનારે ‘વલસાડ યુનિટી મેરેથોન’ની ચોથી સિઝનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 800થી વધુ દોડવીરો અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વર્ષ 2023થી શરૂ થયેલી આ મેરેથોનની ચોથી સિઝનમાં 700થી 750થી વધુ રજિસ્ટ્રેશન નોંધાયા હતા. દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે 3, 5 અને 10 કિલોમીટરની કેટેગરીમાં ટાઇમિંગ ચિપ અને ફન રનની સુવિધા રાખવામાં આવી હતી. ધારાસભ્ય અને મંડળના પ્રમુખ ભરતભાઈના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તિથલના સાંઈબાબા અને સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સત્સંગ ચાલી રહ્યો હોવાથી તેમજ મહંત સ્વામીના આગમનને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓ અને નિયમિત મોર્નિંગ વોકર્સે પણ દોડમાં જોડાઈને ઉત્સાહ વધાર્યો હતો.

સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના કો-ઓર્ડિનેટર યોગેશ પટેલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ 24 કલાકમાંથી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ પોતાના સ્વાસ્થ્ય અને કસરત માટે ફાળવવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કસરત માટે માત્ર સવારનો સમય જ જરૂરી નથી, પરંતુ સાંજે કે રાત્રે પોતાની અનુકૂળતા મુજબ પણ નિયમિત કસરત કરી શકાય છે. અન્ય એક આયોજક અગ્રણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હેલ્થ સારું હશે તો જીવન સારું રહેશે’ ના સંદેશને આગળ વધારતા આ દોડ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો