નિઝર તાલુકાના વાંકાગામની સીમમાં એક ખેતરના સેઢા પાસે આશરે 40થી45 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, તા. 29/11/2026ના રોજ વાંકાગામની સીમમાં જાહેરાત આપનાર જગન્નાથભાઈ વિઠ્ઠલભાઈ ચૌધરીના ખેતરના સેઢા પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે 40થી45 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક નોંધ મુજબ, અજાણ્યા પુરુષે ખેતરના સેઢા પર આવેલા ખાખરાના ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.મૃતકના શરીરે ઘાટા બ્લ્યુ રંગની ટૂંકી બાંયની ટી-શર્ટ તથા આછા બ્લ્યુ રંગનો ચેક્સ પેન્ટ પહેરેલો હતો. મૃતકનો ઘઉંવર્ણ, લંબગોળ ચહેરો, ફેન્સી દાઢી તેમજ માથાના લાંબા કાળા અને સફેદ વાળ હોવાનું જણાવાયું છે. તેની ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ હોવાનું નોંધાયું છે.બનાવ અંગે જગન્નાથભાઈ વિઠ્ઠલભાઈ ચૌધરી (ઉંમર 39 વર્ષ, રહે. વાંકાગામ, પટેલ ફળિયું, તા. નિઝર, જિ. તાપી) દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં અ.મોત ગુનો નોંધવામાં આવ્યો છે.