સુરત

સુરતના કાપડ બજારમાં પેમેન્ટની ભયંકર કટોકટી, વેપાર 50 ટકા સુધી સીમિત રહેવાની ભીતિ

સુરત: સુરત મર્કેન્ટાઇલ એસોસિએશન (SMA)ની 224મી સમાધાન માસિક બેઠક આજે સિટીલાઇટ સ્થિત માહેશ્વરી ભવનના હોલમાં નરેન્દ્ર સાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દિવાળી બાદ યોજાયેલી પ્રથમ બેઠકમાં સુરતના કાપડ બજારની નબળી વેપારી સ્થિતિ, પેમેન્ટની કટોકટી, પોંગલ સિઝન અને રિટર્ન ગુડ્સની વધતી સમસ્યા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં વેપારીઓએ જણાવ્યું હતું કે દિવાળી અને નવા વર્ષ બાદ પણ સુરતના બજારમાં બહારગામના વેપારીઓની ખરીદી માટેની અવરજવર શરૂ થઈ નથી. દશેરા અને દિવાળી બાદ બજારમાં જે પેમેન્ટની આવક થવી જોઈએ તેની ગતિ અત્યંત ધીમી છે. પરિણામે બજારમાં નાણાંની ગંભીર અછત ઊભી થઈ છે અને વેપારીઓની આર્થિક મુશ્કેલીઓ વધી છે.

દક્ષિણ ભારતની પોંગલ સિઝન પણ આ વખતે નબળી રહેવાની શક્યતા છે. ગત એક મહિનામાં આવેલા બે મોટા વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની અસર વેપાર પર પડી છે. આ વખતે પોંગલ સિઝનનો વેપાર સામાન્યની સરખામણીએ 50 ટકા સુધી પણ પહોંચે તેવી શક્યતા ઓછી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

રિટર્ન ગુડ્સ મોકલનારા વેપારીઓ સામે કાર્યવાહી
દિવાળી દરમિયાન બહારગામના બજારોમાં ન વેચાયેલો માલ મોટી સંખ્યામાં સુરત પરત મોકલવામાં આવી રહ્યો છે. માલની જાવક કરતાં રિટર્ન ગુડ્સની આવક વધી જતાં સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે બેઠકમાં અનેક ફરિયાદો મળી હતી. SMAએ નિર્ણય લીધો છે કે કોઈ બહારગામનો વેપારી યોગ્ય કારણ, પૂર્વ જાણકારી કે માલમાં નુકસાન ન હોવા છતાં માલ પરત મોકલશે તો સુરતના વેપારીની ફરિયાદના આધારે તેને બ્લેકલિસ્ટ કરી તેનું નામ જાહેર કરવામાં આવશે.

GST નંબરનો દુરુપયોગ કરી નવી છેતરપિંડી
બેઠકમાં વેપારીઓના નામે નવી પ્રકારની છેતરપિંડી થતી હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. બહારના કેટલાક તત્ત્વો મંડીના મોટા વેપારીઓનાં નામ અને GST નંબરનો દુરુપયોગ કરીને સુરતના વેપારીઓ પાસેથી માલ ખરીદી રહ્યા છે અને માલ લઈ જઈ રહ્યા છે. SMAએ વેપારીઓને ચેતવણી આપી છે કે કોઈપણ ઓર્ડર સ્વીકારતાં પહેલાં ખરીદદારની ઓળખ, GST નંબર અને વ્યવસાયિક વિશ્વસનીયતાની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ માલનું વેચાણ કરવું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો