સુરત

તમાકુના વ્યસનથી યુવાનોને બચાવવા સુરતની તમામ શાળાઓમાં ૬૦ દિવસનું અભિયાન

સુરત: કિશોરો અને યુવાનોમાં તમાકુના વ્યસનનું પ્રમાણ અટકાવવા અને નવી પેઢીને તમાકુની હાનિકારક અસરોથી બચાવવા સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ શરૂ કરાયેલા 'ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 4.0' અંતર્ગત સુરત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. તા. 28 ઓક્ટોબર, 2026થી શરૂ થયેલું આ અભિયાન 60 દિવસ સુધી ચાલશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં તમાકુના સેવન સામે જાગૃતિ કેળવવાનો અને યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવાનો છે. આ અંતર્ગત તમામ શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા ગંભીર શારીરિક નુકસાન અંગે સમજ આપવામાં આવશે અને તમાકુ મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટર મેકિંગ, નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા સાથે શાળાની આસપાસના વિસ્તારોમાં જનજાગૃતિ રેલી કાઢવાની સૂચના આપવામાં આવી છે.

શાળાની આસપાસ 100 વારના વિસ્તારમાં વેચાણ પર નજર

અભિયાનમાં માત્ર વિદ્યાર્થીઓને જાગૃત કરવા પૂરતું મર્યાદિત ન રહેતાં શાળા પરિસરને સંપૂર્ણ તમાકુ મુક્ત બનાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. શાળાની બહાર યોગ્ય ચેતવણી બોર્ડ લગાવવા તેમજ COTPA Act-2003 અને PECA-2019ની જોગવાઈઓ મુજબ શાળાની આસપાસના 100 વારના વિસ્તારમાં તમાકુ અને ઈ-સિગારેટનું વેચાણ ન થાય તે માટે સ્થાનિક આરોગ્ય અને વહીવટી તંત્ર સાથે સંકલન કરવા જણાવાયું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો