સુરત: સુરત શહેરમાં શિયાળાની શરૂઆત વચ્ચે હવામાનનો મિજાજ ફરી બદલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અનુભવાતી ઠંડી જાણે આવવાની કે નહીં તેની અસમંજસમાં હોય તેમ આજે ફરી ગાયબ થઈ હતી. બીજી તરફ, તાપમાનમાં એકસાથે થયેલા વધારાને કારણે બપોરના સમયે શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો. આમ, શિયાળાની રાહ જોઈ રહેલા સુરતીઓએ હજુ થોડા દિવસ ઠંડી માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાનના આંકડા પર નજર કરીએ તો શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થતાં પારો 36.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 2.2 ડિગ્રીનો ઉછાળો નોંધાયો હતો અને તે વધીને 20.6 ડિગ્રી થયું હતું. ખાસ કરીને લઘુત્તમ તાપમાનમાં થયેલો વધારો વહેલી સવારની ઠંડક ઓછી થવાનું મુખ્ય કારણ બન્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઠંડીનું પ્રમાણ ઓછું છે અને પશ્ચિમ વિક્ષેપની અસર પણ ખાસ જોવા મળી રહી નથી. જોકે, આગામી 3 ડિસેમ્બર બાદ હવામાનના મિજાજમાં ફેરફાર થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. જો બરફવર્ષા બાદ ઉત્તર તરફથી ઠંડા પવનો સક્રિય બનશે તો આવતા અઠવાડિયે સુરતમાં પણ ઠંડીનું આગમન થઈ શકે છે. હાલ તો સુરતમાં શિયાળાની રાહ જોતા લોકો માટે દિવસ દરમિયાન ગરમી અને વહેલી સવારે સામાન્ય વાતાવરણનો અનુભવ યથાવત્ રહેવાની શક્યતા છે. હવે સૌની નજર ઉત્તર ભારતના હવામાન અને ઠંડા પવનોની ગતિ પર છે.