તાપી જિલ્લો

રાજ્યના આરોગ્ય મંત્રીએ તાપી જિલ્લાનાં પ્રવાસના અંતિમ દિવસે વ્યારા અને ડોલવણના વિસ્તારોની મુલાકાત લીધી

વ્યારા : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના ૭૨ કલાકના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે વ્યારાના ખટાર ફળીયા ખાતે આદિવાસી સમુદાય તથા ગ્રામજનોની મુલાકાત લઈ તેમની સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ગામના આગેવાન દ્વારા કરવામાં આવી રહેલી આધુનિક પશુપાલન પ્રવૃત્તિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સાથે જ અન્ય ગ્રામજનોને પણ આધુનિક પશુપાલન અપનાવી આ ક્ષેત્રે નવીનતા લાવવા અને આ પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ આર્થિક રીતે પગભર થવા અનુરોધ કર્યો હતો.

જે બાદ મંત્રીએ વ્યારા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા અને સૌના સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મંત્રીશ્રીએ વ્યારાની જનક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ સાધી અભ્યાસ, તાલીમ અને આરોગ્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તાપી જિલ્લા પ્રવાસના અંતિમ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડોલવણની ઘાણીમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમજ ડોલવણના ગડત ગામે લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પોતાના તાપી જિલ્લાના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે ડોલવણ તાલુકાના ઘાણી સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમસ્ત શાળા પરિવાર સાથે અત્યંત સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. જે દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. ઉપરાંત બાળકો સાથે આત્મીયતા પૂર્વક ચર્ચા કરીને તેમના અભ્યાસ, શાળાની ઇતર પ્રવૃત્તિઓ અને ભવિષ્યના લક્ષ્યો વિશે જાણકારી મેળવી વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો