સુરત: અગાઉ ડ્રગ્સના કેસમાં જામીન પર છૂટ્યા બાદ ફરી કઠોરગામમાં નશાના કારોબારમાં સક્રિય થયેલા પેડલરને ઉત્રાણ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે કઠોરની મદની શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં ઊભેલી કારમાંથી MD ડ્રગ્સ, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,54,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનના PSI ડી.ડી. રાઠોડને શનિવારે તા. 28 નવેમ્બરના રોજ બાતમી મળી હતી કે કઠોરગામ ખાતે મદની રેસિડેન્સીની બાજુમાં આવેલા મદની શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એક શખ્સ સ્વિફ્ટ કારમાં બેસીને MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસ ટીમે પંચો સાથે સ્થળ પર દરોડો પાડી લાલ રંગની સ્વિફ્ટ કાર (GJ-18-AH-5716)ને કોર્ડન કરી ચાલક મોહમંદ તોસિફ ઉર્ફે મુન્નુ સલીમ શેખ (ઉં.વ.32, રહે. મદની રેસિડેન્સી, કઠોરગામ)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની અંગઝડતી અને કારની તપાસ કરતાં તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી 4.83 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. FSL અધિકારી પી.એસ. ધંધુકિયા દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતાં પાવડર મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રૂ. 48,300ની કિંમતનું MD ડ્રગ્સ, રૂ. 2 લાખની સ્વિફ્ટ કાર, રૂ. 2,300 રોકડા, મોબાઈલ ફોન, પાવર બેંક, ઇલેક્ટ્રિક વજનકાંટો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 2,54,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અગાઉ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ બંને કેસમાં જામીન પર મુક્ત થયા બાદ જામીનની શરતોનો ભંગ કરી ફરી ડ્રગ્સના કારોબારમાં જોડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ MD ડ્રગ્સનો જથ્થો અમરોલીના કોસાડ આવાસમાં રહેતા ફારૂક પટેલ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયર ફારૂક પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં
આવી છે.