સુરત જિલ્લો

ગીરવે મૂકેલી કાર ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરવાના ગુનામાં પાંચ ઝડપાયા

કીમ : ગીરવે મૂકેલી ફોરવ્હીલ કારને ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી જવાના ગુનાનો ભેદ ઉકેલી કીમ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી કાર સહિત કુલ રૂ.3.71 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હાંસોટના પીર ફળિયાના મોહમ્મદ ઝૈન શેખને હોસ્પિટલના કામ અર્થે ફોરવ્હીલની જરૂર હોવાથી નવનીત નામના શખ્સ મારફતે નંબર GJ-19-BE-6754 ધરાવતી અર્ટિગા કાર રૂ.2.75 લાખમાં ગીરવે લીધી હતી. દરમિયાન ગત તા.4 નવેમ્બરના રોજ કૂડસદ ગામના પવિત્ર ગ્રીન સ્ટ્રીટ ફાર્મહાઉસના પાર્કિંગમાંથી અજાણ્યો શખ્સ ડુપ્લિકેટ ચાવી વડે કાર ચાલુ કરી લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ગુનાની તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ઉમરા, સુરત ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી કારના મૂળ માલિક નવનીતભાઈ બાબુભાઈ જોધાણી સહિત આકાશ ખરતાડ, હર્ષદ બોરડ, તરુણ પટેલ અને અનિલ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3 લાખની કાર, પાંચ મોબાઇલ ફોન, રૂ.26 હજાર રોકડા તેમજ કારની ચાવી અને દસ્તાવેજો સહિત કુલ રૂ.3.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કીમ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ કામગીરી પાર પાડી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો