વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવા ચિંતાજનક એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરમાં એક તરફ તંત્રની બેદરકારી કે ટેકનિકલ ખામીઓને કારણે દરરોજ લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે, તો બીજી તરફ શહેરના મુખ્ય જળસ્ત્રોત ગણાતા આજવા સરોવરમાં પાણીની સપાટી ચિંતાજનક હદે નીચે ઉતરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં હાલ દરરોજ અંદાજે 91 એમએલડી જેટલા જંગી જથ્થામાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, રોજ વેડફાતા આટલા પાણીથી શહેરના 4 લાખથી વધુ નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાય તેમ છે. આમ, એક તરફ લાખો લોકોની તરસ છીપાવી શકે તેટલું પાણી બિનજરૂરી રીતે વહી રહ્યું છે, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.
બીજી તરફ, ચોમાસામાં ઓછા વરસાદની સીધી અસર હવે શિયાળાની શરૂઆતમાં જ જોવા મળી રહી છે. આજવા સરોવરમાં પાણીની નવી આવક ઘટતા તેની સપાટી ઘટીને 206 ફૂટ પર પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આજવા સરોવરમાં 3.5 ફૂટ જેટલું ઓછું પાણી સંગ્રહિત થયું છે. સામાન્ય સંજોગોમાં શહેરમાં પાણીની અછત કે વધારાના જથ્થાની જરૂરિયાત જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં ઊભી થતી હોય છે, પરંતુ આ વખતે નવેમ્બર મહિનામાં જ આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થતા પાલિકા તંત્રની ચિંતામાં ભારે વધારો થયો છે.
ભરશિયાળે જ ઊભી થયેલી આ જળસમસ્યાને પહોંચી વળવા અને ઉનાળા સુધી પાણીનો જથ્થો જાળવી રાખવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ વૈકલ્પિક સ્ત્રોતોનો સહારો લેવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે પ્રતાપપુરા સરોવરમાંથી 424 કરોડ લિટર પાણી આજવા સરોવરમાં ઠાલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો આગામી સમયમાં પાણીનો વ્યય અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો વડોદરાવાસીઓને ઉનાળામાં ભારે જળસંકટનો સામનો કરવો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.