વડોદરા ગ્રામ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે અંકોડિયા ગામના ઇન્દિરાનગરમાંથી હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. વડોદરા તાલુકા પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી 26 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી 3.69 ગ્રામ હેરોઈન, મોબાઇલ, રોકડ અને વજનકાંટો મળી કુલ રૂ.81,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ‘ઓપરેશન પરાક્રમ’ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા તાલુકા પોલીસ દ્વારા નશાના કારોબારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.
દરમિયાન ગત તા.28 નવેમ્બરના રોજ વડોદરા તાલુકા પોલીસના અ.પો.કો. પ્રશાંતભાઈ મયુરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે અંકોડિયા ગામના ઇન્દિરાનગર-1 વિસ્તારમાં રહેતો એક શખસ પોતાના મકાનમાં હેરોઈનનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીઆઈ જે.કે. ડાંગરની સૂચનાથી પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વિપુલભાઈ ઉર્ફે ભોલો રમણભાઈ સોલંકી (ઉં.વ.26, રહે. ઇન્દિરાનગર-1, અંકોડિયા, મૂળ કરચિયા ગામ) મળી આવ્યો હતો. તેના રહેણાંક મકાનની તપાસ કરતા ચોખ્ખા વજનનું 3.69 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.73,800 થાય છે. આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન, રૂ.2,400 રોકડા અને વજનકાંટો પણ કબજે કર્યો હતો.આમ, પોલીસે રૂ.81,700નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.