વડોદરા

પોર-ઇટોલા ચોકડી પાસે એથિલીન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પલટ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

અત્યંત જ્વલનશીલ અને જોખમી કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો, મોટી દુર્ઘટના ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૯

વડોદરા :- જિલ્લાના પોર-ઇટોલા ચોકડી નજીક અત્યંત જોખમી એવા એથિલીન ઓક્સાઇડ ગેસ ભરેલું એક ટેન્કર અકસ્માતે પલટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ગંભીર અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે કોઈ જાનહાની ન થતાં તંત્ર સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એથિલીન ઓક્સાઇડ જેવો અત્યંત જ્વલનશીલ અને જોખમી કેમિકલ ગેસ ભરીને પસાર થઈ રહેલું ટેન્કર પોર-ઇટોલા ચોકડી પાસે કોઈ કારણોસર ચાલકના કાબૂ બહાર જઈને માર્ગ પર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાં જોખમી કેમિકલ ભરેલું હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

બનાવની જાણ થતાં જ વરણામા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરીને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કરજણ ફાયર વિભાગની ટીમ પણ ખાસ ગેસ લીકેજ ઇમર્જન્સી વાન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

ટેન્કરમાંથી કોઈ જોખમી ગેસ લીકેજ ન થાય અને આગ કે વિસ્ફોટ જેવી મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવા સહિતની તમામ જરૂરી સુરક્ષા કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. તંત્રની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને પગલે એક મોટી હોનારત ટળી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો