મનોરંજન

Dune: Part Three’થી હોલિવૂડમાં ફરી છવાશે રોબર્ટ પેટિન્સન, જેમ્સ બોન્ડ 007ના રોલથી બન્યા હોલિવૂડનો મુખ્ય ચહેરો

હોલિવૂડ અભિનેતા રોબર્ટ પેટિન્સન આ દિવસોમાં એકસાથે ત્રણ મોટા ફિલ્મ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. 16 ડિસેમ્બર, 2026થી આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થનારી ડેનિસ વિલેન્યુવની ફિલ્મ ‘Dune: Part Three’માં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ સ્કાયટેલ નામના રહસ્યમય પાત્રની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ વાત એ છે કે પેટિન્સન આગામી જેમ્સ બોન્ડ એટલે કે 007 તરીકે પણ પસંદ થયા છે. આ ઉપરાંત, તેઓ ‘The Batman Part II’માં ફરી એકવાર બ્રુસ વેઇનના પાત્રમાં જોવા મળશે.

‘Dune: Part Three’ આ લોકપ્રિય સાયન્સ ફિક્શન ફિલ્મ શ્રેણીનો ત્રીજો અને અંતિમ ભાગ છે. ફિલ્મમાં ટિમોથી શાલામે સમ્રાટ પોલ એટ્રેઇડ્સની ભૂમિકામાં પરત ફરી રહ્યા છે, જ્યારે ઝેન્ડાયા, ફ્લોરેન્સ પુગ, જેસન મોમોઆ અને અન્ય જાણીતા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 16 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય બજારોમાં અને 18 ડિસેમ્બરે ઉત્તર અમેરિકામાં સિનેમાઘરો તથા IMAXમાં રિલીઝ થશે.

ફિલ્મમાં પેટિન્સન સ્કાયટેલનું પાત્ર ભજવી રહ્યા છે. તે એક 'ફેસ ડાન્સર' છે, જે પોતાની ઓળખ અને દેખાવ બદલી શકે છે. વાર્તામાં તેનું પાત્ર પોલ એટ્રેઇડ્સ સામે રચાતા ષડયંત્ર સાથે જોડાયેલું છે. આ ભૂમિકા પેટિન્સનના અગાઉના જાણીતા પાત્રોથી અલગ છે અને ફિલ્મની વાર્તામાં મહત્વનો વળાંક લાવી શકે છે.

16 નવેમ્બરે Amazon MGM Studiosએ રોબર્ટ પેટિન્સનને આગામી જેમ્સ બોન્ડ તરીકે સત્તાવાર જાહેર કર્યા હતા. તેઓ ડેનિયલ ક્રેગનું સ્થાન લેશે. આગામી 26મી બોન્ડ ફિલ્મનું નિર્દેશન ડેનિસ વિલેન્યુવ કરશે, જ્યારે તેની સ્ક્રિપ્ટ 'Peaky Blinders'ના સર્જક સ્ટીવન નાઇટ લખશે. બીજી તરફ, મેટ રીવ્ઝની ‘The Batman Part II’માં પેટિન્સન ફરી બ્રુસ વેઇન એટલે કે બેટમેનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સ્કારલેટ જોહાન્સન અને સેબેસ્ટિયન સ્ટેન સહિતના કલાકારો પણ જોડાયા છ. ‘Twilight’ ફિલ્મ શ્રેણીથી વૈશ્વિક ઓળખ મેળવનારા પેટિન્સન હવે ‘Dune’, ‘Batman’ અને ‘James Bond’ જેવા મોટા ફ્રેન્ચાઇઝ પ્રોજેક્ટ્સ સાથે હોલિવૂડમાં પોતાની નવી ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો