કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે પુણેમાં ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ની 100મી આવૃત્તિ દરમિયાન ભારતની પ્રથમ ઓલિમ્પિક ફિલ્મ લોન્ચ કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાના ઉપરાંત મીરાબાઈ ચાનુ, શીતલ દેવી અને સ્મૃતિ મંધાના જેવી રમતગમતની હસ્તીઓ જોવા મળી છે. #IndiaReady4Olympics થીમ હેઠળ રજૂ કરાયેલી આ ફિલ્મમાં ભારતના રમતગમત ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તન અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની દેશની મહત્વાકાંક્ષાને દર્શાવવામાં આવી છે.
આ પ્રસંગે ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 100મી આવૃત્તિમાં પુણેના રસ્તાઓ પર 50 હજારથી વધુ સાયકલ સવારો ઉતર્યા હતા. દેશભરમાં 40 હજાર સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં વિક્રમી 56 હજાર નોંધણીઓ થઈ હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફિટ ઈન્ડિયા વિઝન હવે જીવંત વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે દેશના યુવાનોનું ફિટ અને સ્વસ્થ હોવું જરૂરી છે.
ડૉ. માંડવિયાએ 100મી આવૃત્તિને ભારતની 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની મહત્વાકાંક્ષા સાથે જોડતાં કહ્યું કે આ કાર્યક્રમ માત્ર સાયકલ ચલાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં ફિટનેસનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ છે. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના CEO રઘુરામ ઐયર, ઓલિમ્પિયન પ્રિયંકા ગોસ્વામી, જૈસ્મીન લમ્બોરિયા, પ્રીતિ પવાર, સંદીપ કુમાર ચૌધરી અને શ્રાવણી નંદા સહિત અનેક રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. મીરાબાઈ ચાનુ, શીતલ દેવી અને સ્મૃતિ મંધાના પણ આ ઉજવણીનો ભાગ બન્યાં હતાં.
પુણેમાં આ પ્રસંગે ‘રિવર સાયક્લોથોન 2026: જળ સંરક્ષણ અને નદી સ્વચ્છતા’ થીમ હેઠળ 25 કિમી અને 5 કિમીની સાયકલિંગ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ જળ સંરક્ષણ, નદીની સ્વચ્છતા અને નશામુક્ત ભારત માટે શપથ પણ લીધા હતા. દેશના 100 આઇકોનિક સ્થળો સહિત દરેક જિલ્લામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. 600થી વધુ જિલ્લાઓમાં માય ભારતના 1.5 લાખથી વધુ સ્વયંસેવકોએ સાયકલિંગ રેલીમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ફિટનેસ ક્ષેત્રે પાયાના સ્તરે યોગદાન આપનાર ફિટ ચેમ્પ્સ અને સાયકલિંગ ક્લબોનું સન્માન કરવામાં આવ્યું હતું. માય ભારતના વિજેતાઓની જાહેરાત ઉપરાંત ડૉ. માંડવિયા દ્વારા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના CEO રઘુરામ ઐયરે જણાવ્યું હતું કે ઓલિમ્પિક માટે તૈયાર થવા સમર્પણ, સાતત્ય અને દર અઠવાડિયે ફરીથી પ્રયાસ કરવાની માનસિકતા જરૂરી છે. તેમણે કહ્યું કે શ્રેષ્ઠતા, આદર અને મિત્રતા જેવા ઓલિમ્પિક મૂલ્યોને ફિટનેસ ચળવળ સાથે જોડવાથી ભારતમાં ઓલિમ્પિકની યજમાની કરવાના સપનાને સાકાર કરવામાં મદદ મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત અને અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સની સાથે 2036માં ઓલિમ્પિકની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ‘પોલ્યુશન કા સોલ્યુશન’ના સંદેશ સાથે 17 ડિસેમ્બર, 2024ના રોજ શરૂ થયેલી ‘સન્ડેઝ ઓન સાયકલ’ પહેલ હવે રાષ્ટ્રવ્યાપી ફિટનેસ ચળવળ બની છે. તેની 100 આવૃત્તિઓમાં અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ પહેલ સાથે 7,500થી વધુ ફિટ ઈન્ડિયા નમો સાયકલિંગ ક્લબ જોડાયેલી છે અને આશરે 10 હજાર સ્થળોએ સાપ્તાહિક પ્રવૃત્તિઓ યોજાય છે.