ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામમાં એક ખેતરમાં અંદાજે 7 ફૂટ લાંબો વિશાળ અજગર જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમીઓની સમયસૂચકતાને કારણે અજગરનું કોઈ પણ પ્રકારની ઈજા વિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સલરા ગામના એક ખેતરમાં અચાનક વિશાળ અજગર દેખાતાં આસપાસના ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિક મહેશભાઈએ તાત્કાલિક સંતરામપુર સ્થિત પર્યાવરણ ટ્રસ્ટમાં કાર્યરત લાલાભાઈનો સંપર્ક કર્યો હતો.
સંદેશો મળતાં જ લાલાભાઈ સમય બગાડ્યા વિના સલરા ગામે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા સમજાવ્યા હતા અને જરૂરી તકેદારી સાથે અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.
રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ અજગરને નજીકના સુરક્ષિત જંગલ વિસ્તારમાં તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન અજગરને કોઈ ઈજા પહોંચી નહોતી.
અજગરનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા દાખવી જીવ બચાવવાની કામગીરી કરનાર મહેશભાઈ અને લાલાભાઈની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોનું રક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનું મહત્વ સમજાવ્યું છે.