પંચમહાલ જિલ્લો

જમીનના સોદામાં કોર્ટનો ઝટકો! દાવો કરનાર પિટિશન રાઇટર જ વિવાદિત વેચાણ દસ્તાવેજમાં સાક્ષી નીકળ્યા

કાલોલ, તા. 29: જમીનના સોદાને લઈને ચાલતા લાંબા કાનૂની વિવાદમાં હાલોલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જમીન ખરીદી માટે બાનાખત કર્યા બાદ સંપૂર્ણ નાણાં ચૂકવ્યા હોવાનો દાવો કરનાર પિટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડર મહંમદ ફકરુદ્દીન અન્સારીની રેગ્યુલર સિવિલ અપીલ નં. 03/2020 કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિવેક એન. માપારાએ નીચલી સિવિલ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે.

અરજદાર મહંમદ ફકરુદ્દીન અન્સારીએ મૂળ જમીન માલિક સ્વ. રાવજીભાઈ શંકરભાઈ પટેલના વારસદારો સહિત 10 અન્ય પ્રતિવાદીઓ સામે દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, હાલોલના રેવન્યુ સર્વે નં. 584ની બિનખેતી જમીનના પ્લોટ નં. 91 અને 91/A તથા વધારાની જમીન મળી કુલ 2500 ચોરસ ફૂટ જમીન વર્ષ 1997માં રૂ. 88,001માં ખરીદવા બાનાખત કરવામાં આવ્યું હતું. આ રકમ રોકડમાં ચૂકવી હોવા છતાં મૂળ માલિકે અન્ય વ્યક્તિઓને જમીન વેચી દીધી હોવાનો આક્ષેપ કરી વેચાણ દસ્તાવેજો રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.

સાદા કાગળનું બાનાખત અને 12 વર્ષનો વિલંબ બન્યા દાવાની નબળાઈ

કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર પોતે પિટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડર હોવા છતાં કથિત બાનાખત સ્ટેમ્પ પેપર પર કે નોટરી કરાવ્યા વગર સાદા કાગળ પર તૈયાર કરવામાં આવ્યું હતું. રોકડ ચૂકવણીની રસીદોમાં રેવન્યુ સ્ટેમ્પનો અભાવ હતો. રૂ. 61,501ની મોટી રકમ ચૂકવવામાં આવી હોવાનો કોઈ વિશ્વસનીય રસીદ પુરાવો પણ રજૂ થયો નહોતો.

વધુમાં, 1997માં કરાર થયાનો દાવો કર્યા બાદ અરજદારે 12 વર્ષ સુધી વેચાણ દસ્તાવેજ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરી નહોતી. વર્ષ 2010માં પ્રથમ વખત કાનૂની નોટિસ આપવામાં આવી હતી. આ વિલંબને ધ્યાનમાં રાખીને કોર્ટે દાવો કાયદાકીય સમયમર્યાદા (Limitation) બહારનો હોવાનું માન્યું હતું.

પોતાની સહી જ બની ગઈ દાવા સામેનો મહત્વપૂર્ણ પુરાવો

આ કેસમાં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે અરજદાર જે વેચાણ દસ્તાવેજો પોતાની જાણ બહાર થયા હોવાનું જણાવી રદ કરાવવા માંગતા હતા, તે પૈકી વર્ષ 2007ના એક રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાં ખુદ અરજદારની સાક્ષી તરીકે સહી હતી. કાયદાકીય દસ્તાવેજોનું કામ કરતા અરજદારે દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરી હોવાનો બચાવ કર્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો નહોતો.

તમામ દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. સાથે જ અરજદારને પોતાના ઉપરાંત તમામ પ્રતિવાદીઓનો કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી વર્ષોથી ચાલતા જમીન વિવાદનો મહત્વપૂર્ણ કાનૂની તબક્કે અંત આવ્યો છે.

નોંધ: તસવીર કાલ્પનિક અને પ્રતિકાત્મક છે

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો