દિગ્દર્શક સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ બોક્સ ઓફિસ પર ધીમે-ધીમે રફ્તાર પકડી રહી છે. આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ અભિનીત આ પારિવારિક ફિલ્મને રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રથમ દિવસની સરખામણીમાં બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 31.3 ટકાનો વધારો નોંધાયો છે. બે દિવસમાં ફિલ્મનું વિશ્વભરનું કલેક્શન રૂ. 18.75 કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મે શુક્રવારે પ્રથમ દિવસે રૂ. 4 કરોડની કમાણી કરી હતી. જ્યારે શનિવારે આ આંકડો વધીને રૂ. 5.25 કરોડ થયો હતો. શનિવારે ફિલ્મના 7,126 શો યોજાયા હતા. આમ, બીજા દિવસે કમાણીમાં 31.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું બે દિવસનું નેટ કલેક્શન રૂ. 9.25 કરોડ થયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન રૂ. 11 કરોડ સુધી પહોંચ્યું છે. બીજી તરફ, વિશ્વભરમાં ફિલ્મની કુલ કમાણી રૂ. 18.75 કરોડ નોંધાઈ છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદને જોતાં પ્રથમ સપ્તાહના અંત સુધીમાં તેની વૈશ્વિક કમાણી રૂ. 25 કરોડ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, બોક્સ ઓફિસ પર ‘રામાયણ’નો દબદબો પણ યથાવત્ છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ ફિલ્મ દર્શકોની પસંદગી બની રહી છે. ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં રૂ. 1,024.51 કરોડની કમાણી કરી છે. તેનું વૈશ્વિક કલેક્શન રૂ. 1,568.80 કરોડ સુધી પહોંચ્યું છે. તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી રૂ. 523.10 કરોડ અને સ્થાનિક બજારમાંથી રૂ. 1,045.70 કરોડની કમાણીનો સમાવેશ થાય છે.