વડોદરા

એમ.એસ.યુનિવર્સિટી અને મોસ્કો ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે સહયોગની ચર્ચા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને રશિયાની મોસ્કો ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક, સંશોધન અને સંસ્થાકીય સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવા મોસ્કો ટેકનિકલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડિરેક્ટોરેટનાં પ્રોફેસર ડો. અલીના અન્દ્રુખે એમ.એસ. યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. નવી દિલ્હી સ્થિત રશિયન કલ્ચરલ સેન્ટર અને એમ.એસ. યુનિવર્સિટીના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના સંયુક્ત સહયોગથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બી. એમ. ભાનગેએ ડો. અલીનાનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન ક્ષેત્રે રહેલી ક્ષમતાઓ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપી હતી. સાથે જ વૈજ્ઞાનિક પરિષદ માટે કરેલી મોસ્કોની મુલાકાતના અનુભવો તેમજ રશિયા સાથેના પોતાના સંશોધન સહયોગ અંગે પણ વાત કરી હતી. બેઠક દરમિયાન ટ્રાન્સપોર્ટ, એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સ, ટેકનોલોજી, મટિરિયલ્સ અને ઉત્પાદન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પર્યાવરણ અને જીવનવિજ્ઞાન સંબંધિત ટેકનોલોજી, કલા, ડિઝાઇન અને મીડિયા, શહેરી અભ્યાસ, વ્યાપાર, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટીની સંબંધિત ફેકલ્ટીઓના ડીનોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. ડો. અલીનાએ પ્રેઝન્ટેશન દ્વારા મોસ્કો ટેકનિકલ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો, સંશોધન પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગની તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મોસ્કો ટેકનિકલ યુનિવર્સિટીમાં રશિયન ભાષાના માધ્યમથી અભ્યાસ કરવા ઇચ્છુક ભારતીય વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર બની શકે છે. આ ઉપરાંત મેનેજમેન્ટ અને પત્રકારત્વ સહિતના કેટલાક અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમમાં સ્વનિર્ભર ધોરણે ઉપલબ્ધ છે. એમ.એસ. યુનિવર્સિટીના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ઇન્ચાર્જ ડિરેક્ટર ડો.આર. વી. દેવકરે જણાવ્યું હતું કે સૂચિત સહયોગથી આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંબંધો વધુ મજબૂત બનશે. સાથે જ સંયુક્ત સંશોધન તેમજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના આદાનપ્રદાન માટે નવી તકો ઊભી થશે. બંને યુનિવર્સિટીઓએ આ ચર્ચાને આગળ વધારી સહયોગ માટે સમજૂતી કરાર કરવાની દિશામાં રસ દર્શાવ્યો હતો. મુલાકાત દરમિયાન ડો. અલીનાએ આર્ટ્સ ફેકલ્ટીના રશિયન ભાષા વિભાગના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને રશિયામાં ઉચ્ચ શિક્ષણ, વિવિધ અભ્યાસક્રમો અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહેલી રશિયન વિદ્યાર્થિની એલિયાનાને પણ ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. એક રશિયન વિદ્યાર્થિની વડોદરામાં રહીને ભારતીય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહી છે તે જાણીને ડો. અલીનાએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો