છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ઇન્દ્રાવતી નદી નજીકના જંગલમાં જમીનની અંદર છુપાવી રાખવામાં આવેલા માઓવાદીઓના ઠેકાણેથી 3.84 કિલો સોનું અને 24 લાખ 22 હજાર 500 રૂપિયા રોકડા મળી આવ્યા છે. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત કિંમત 4.29 કરોડ રૂપિયા હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહી 27 નવેમ્બરે જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), ભૈરમગઢ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની સંયુક્ત ટીમે હાથ ધરી હતી.
પોલીસ અધિક્ષક ઉમેશ પ્રસાદ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભૈરમગઢ પોલીસ સ્ટેશન હેઠળના જંગલ વિસ્તારમાં માઓવાદીઓએ કિંમતી સામાન છુપાવી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એડિશનલ એસપી (ઓપરેશન્સ) રવિન્દ્ર કુમાર મીણાના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભૈરમગઢ પોલીસ સ્ટેશનથી આશરે 8થી 10 કિલોમીટર દૂર ઇન્દ્રાવતી નદી નજીક તપાસ દરમિયાન જમીનની અંદર દટાવેલો સ્ટીલનો ડબ્બો મળી આવ્યો હતો. તેની તપાસ કરતાં 10-10 તોલાના કુલ 33 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ તમામ બિસ્કિટનું કુલ વજન 330 તોલા એટલે કે આશરે 3.84 કિલોગ્રામ હતું. તેની બજાર કિંમત અંદાજે 4.29 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
સ્ટીલના ડબ્બામાંથી સોનાની સાથે 24 લાખ 22 હજાર 500 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. આ તમામ રકમ 500 રૂપિયાની નોટોમાં હતી. નોટોને ટેપથી વીંટાળેલા પેકેટમાં રાખવામાં આવી હતી. જપ્ત કરાયેલા સોના અને રોકડ અંગે ભૈરમગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજાપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માઓવાદીઓના છુપાયેલા ઠેકાણાઓ સામે સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), કોબ્રા અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની સંયુક્ત કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 8 કરોડ 24 લાખ 33 હજાર 300 રૂપિયા રોકડા અને 12.34 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.