ભારત

મહારાષ્ટ્રમાં ચિત્તાની શંકાસ્પદ ખાલ મળતાં પ્રોજેક્ટ ચિત્તાની સુરક્ષા સામે સવાલ, DNA તપાસની માગ

મહારાષ્ટ્રમાં વન્યજીવ તસ્કરી સામેની કાર્યવાહી દરમિયાન વાઘ, દીપડો અને ચિત્તાની હોવાની આશંકા ધરાવતી ખાલ મળી આવ્યા બાદ મધ્યપ્રદેશના પ્રોજેક્ટ ચિત્તાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વન્યજીવ અને પર્યાવરણ કાર્યકર અજય દુબેએ આ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA)ને પત્ર લખીને ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે. તેમણે જપ્ત કરાયેલી ખાલની DNA તપાસ કરાવી તેના મૂળનો પત્તો લગાવવા અને તસ્કરીના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ 26 નવેમ્બરે 'ઓપરેશન ફેલાઇન વિજિલ' હેઠળ પનવેલ અને નવી મુંબઈમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એક વાઘ, એક દીપડો અને ચિત્તાની હોવાની આશંકા ધરાવતી ખાલ મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન એક એર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં દીપડાની ખાલ પર ગોળી વાગ્યાના નિશાન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

અજય દુબેએ ત્રણેય ખાલની વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA તપાસ કરાવવાની માગ કરી છે. ખાસ કરીને શંકાસ્પદ ચિત્તાની ખાલ ખરેખર ચિત્તાની જ છે કે નહીં તેની પુષ્ટિ કરવા તેમણે જણાવ્યું છે. જો DNA તપાસ થઈ ગઈ હોય તો તેનો અહેવાલ જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો આ ખાલ ચિત્તાની જ હોય તો તેનો શિકાર ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખાલ વિદેશી ચિત્તાની છે કે ભારતના કોઈ વન્ય વિસ્તારમાંથી તેની તસ્કરી કરવામાં આવી છે, તેની પણ તપાસ થવી જોઈએ.

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ લાવવામાં આવેલા ચિત્તાઓની રેડિયો કોલર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. આ ઉપરાંત ગાંધી સાગર અભયારણ્યમાં પણ ચિત્તા રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પનવેલ અને નવી મુંબઈમાં શંકાસ્પદ ચિત્તાની ખાલ મળી આવતાં વન્યજીવ કાર્યકરો અને મધ્યપ્રદેશના વન વિભાગની ચિંતા વધી છે. અજય દુબેએ કૂનો નેશનલ પાર્ક અને ગાંધી સાગર અભયારણ્યમાં રહેલા ચિત્તાઓની વર્તમાન સંખ્યા, તેમની તબિયત અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાહેર કરવાની પણ માગ કરી છે. સાથે જ આ સમગ્ર મામલે તસ્કરીના નેટવર્કની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વાઘ, દીપડો અને ચિત્તાનો સમાવેશ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની અનુસૂચિ-1માં થાય છે. આ પ્રાણીઓને કાયદા હેઠળ સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. જોકે, મહારાષ્ટ્રમાં જપ્ત કરાયેલી શંકાસ્પદ ખાલની ચોક્કસ ઓળખ અને તેના મૂળ અંગે DNA તપાસનો અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે કે તેનો પ્રોજેક્ટ ચિત્તા સાથે કોઈ સંબંધ છે કે નહીં.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો