સુરત

સરથાણા ઝૂમાં દિવાળી વેકેશનની ભારે ભીડ: ૨૧ દિવસમાં ૧,૪૬,૨૪૦ મુલાકાતીઓ ઉમટ્યા, ટિકિટ વેચાણથી રૂ. ૪૧.૫૯ લાખની આવક

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. તહેવારોની રજાઓમાં પરિવાર અને બાળકો સાથે હરવા-ફરવા માટે માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ તારીખ ૫ નવેમ્બર, ૨૦૨૬થી ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધીના દિવાળી વેકેશનના ૨૧ દિવસો દરમિયાન સરથાણા ઝૂમાં પ્રવાસીઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન કુલ ૧,૪૬,૨૪૦ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓની આ વિક્રમી સંખ્યાને કારણે સુરત મહાનગરપાલિકાને માત્ર એન્ટ્રી ટિકિટની ફી પેટે જ રૂ. ૪૧,૫૯,૦૨૦ની જંગી આવક થવા પામી છે.

વેકેશનના દિવસોમાં વહેલી સવારથી જ ટિકિટ બારી પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળતી હતી, જેના કારણે ઝૂ પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. સિંહ, વાઘ, દીપડા, હિપ્પોપોટેમસ, રીંછ તેમજ વિવિધ પ્રજાતિના રંગબેરંગી પક્ષીઓ અને સરિસૃપોને નજીકથી નિહાળીને બાળકો સહિત મોટેરાઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર હરિયાળા અને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવા માટે સુરતીઓ તેમજ દક્ષિણ ગુજરાતના પરિવારો માટે સરથાણા નેચર પાર્ક પ્રથમ પસંદગી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે હજારો મુલાકાતીઓએ શાંતિપૂર્ણ રીતે વેકેશનની મજા માણી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો