સુરત

ફેસલેસ સિસ્ટમમાં પણ કૌભાંડ? સુરતનું સરનામું, લર્નિંગ લાયસન્સ મધ્યપ્રદેશનું!

સુરત આરટીઓમાં લાયસન્સ પ્રક્રિયાને લઈને વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. સુરતના સરનામાવાળા એક અરજદારનું લર્નિંગ લાયસન્સ મધ્યપ્રદેશથી નીકળ્યું હોવાનો કિસ્સો સામે આવતા ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ સામે જ શંકા ઊભી થઈ છે.

વાહન વ્યવહાર વિભાગની ફેસલેસ સિસ્ટમમાં અરજદાર આધાર કાર્ડ દ્વારા અરજી કરે ત્યારે નામ અને સરનામું ઓટોમેટિક આવી જાય છે. અરજદારે જાતે સરનામું બદલી શકાતું નથી. આમ છતાં, સુરતના સરનામાવાળા અરજદારનું લર્નિંગ મધ્યપ્રદેશથી કઈ રીતે ઈસ્યુ થઈ ગયું? આ સવાલે સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે.

અરજદારોનું કહેવું છે કે, આ કામ કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે તેમ નથી. આમાં એજન્ટો અથવા સિસ્ટમમાં છેડછાડ કરનારા કોઈ રેકેટની સંડોવણી હોઈ શકે છે. દલાલો અરજદારોને ઝડપથી લાયસન્સ કઢાવી આપવાની લાલચ આપીને અન્ય રાજ્યના સરનામાથી અરજી કરાવી દેતા હોવાની ચર્ચા છે.

જો અરજદારનું સરનામું સુરતનું હોય અને ટેસ્ટ પણ અહીં આપવાનો હોય, તો લર્નિંગ એમપીથી નીકળવું એ સીધું કૌભાંડ તરફ ઈશારો કરે છે. આવા લાયસન્સના આધારે પાકું લાયસન્સ કઢાવવામાં આવે તો ભવિષ્યમાં વીમા, અકસ્માતના કેસ અને પોલીસ તપાસમાં પણ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.

અરજદારોની માગ છે કે, આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ. કોના આઈડીથી, કયા આઈપી એડ્રેસથી અને કઈ એજન્સી મારફતે આ અરજી થઈ તેની તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ પકડાઈ શકે છે. આરટીઓના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ કે ફેસલેસ સિસ્ટમમાં આવી છેડછાડ શક્ય છે કે કેમ. હાલ આ કિસ્સાએ સુરત આરટીઓમાં લાયસન્સ પ્રક્રિયાની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો