અમદાવાદના વટવા વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ફ્રી ફિલ્મ જોવાની લાલચમાં અજાણી લિંક ખોલતાં મહિલાના મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ થઈ હતી. ત્યારબાદ મોબાઇલ હેંગ થવા લાગ્યો હતો. થોડા સમય પછી મહિલાએ બેંક ખાતાનું બેલેન્સ તપાસ્યું ત્યારે તેમાંથી રૂ. 9.97 લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વટવા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો 17 વર્ષનો પુત્ર માતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હતો. થોડા સમય પહેલાં તે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો ત્યારે તેને ફ્રી ફિલ્મ જોવાની લિંક જોવા મળી હતી. ફિલ્મ જોવાની લાલચમાં તેણે લિંક પર ક્લિક કરતાં મોબાઇલમાં 'Vibedeck' નામની APK ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ હતી.
ફાઇલ ડાઉનલોડ થયા બાદ મોબાઇલ હેંગ થવા લાગ્યો હતો અને થોડા સમય પછી આપમેળે અપડેટ થવા લાગ્યો હતો. પુત્રએ આ અંગે માતાને જાણ કરી હતી. મહિલાએ મોબાઇલ તપાસ્યા બાદ તેને રિપેરિંગ માટે આપ્યો હતો. મોબાઇલ રિપેર થયા પછી તે ઘરે લાવી હતી અને ત્યારબાદ બેંક ખાતાનું બેલેન્સ ચેક કર્યું હતું. બેંક ખાતામાં અગાઉ અંદાજે રૂ. 13 લાખ જમા હતા, પરંતુ બેલેન્સ તપાસતાં માત્ર રૂ. 3.47 લાખ જેટલી રકમ બાકી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ બેંક સ્ટેટમેન્ટ તપાસ્યું ત્યારે વિવિધ વ્યવહારો દ્વારા કુલ રૂ. 9.97 લાખ અજાણ્યા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વટવા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રી ફિલ્મ, મફત ઓફર કે અન્ય લાલચ આપતી અજાણી લિંક ખોલતાં પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે. અજાણી APK ફાઇલ ડાઉનલોડ કરવાથી મોબાઇલ અને તેમાં રહેલી વ્યક્તિગત તથા નાણાકીય માહિતી જોખમમાં મુકાઈ શકે છે.