( પ્રતિનિધિ ) વડોદરા, તા.29
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર સામેથી આવતા વાહનની અતિ તેજ વાઈટ લાઈટના કારણે કાર ચાલકની આંખો અંજાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર બેકાબુ બનીને બ્રિજના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.
સામેથી આવતા વાહનની તેજ લાઈટથી આંખો અંજાઈ જતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી, જેના કારણે કારને નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતના પગલે લાલબાગ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત રહ્યો હતો. ડિવાઈડર પર ચઢી ગયેલી કારને હટાવવા માટે ક્રેનની મદદ લેવાની ફરજ પડી હતી. આરટીઓ દ્વારા વાહનોમાં અતિ તેજસ્વી વાઈટ લાઈટ લગાવવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહન ચાલકો નિયમોનો ભંગ કરીને આવી લાઈટો લગાવી રહ્યા છે, જેનાથી અન્ય ચાલકોની આંખો અંજાઈ જવાથી અકસ્માતનો ખતરો રહે છે. આ મામલે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.