વડોદરા તારીખ 29
વડોદરા શહેરમાં હોટલના ધંધાની આડમાં નશીલા પદાર્થોનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. તરસાલી બાયપાસ પાસે નેશનલ હાઈવે-48 પર કચરાના ઢગલા નજીક આવેલી આપેશ્વર મહાદેવ હોટલમાં કપુરાઈ પોલીસે દરોડો પાડતાં 21.155 કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.3.17 લાખના પોષડોડા સહિત રૂ.3.27 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના 50 વર્ષીય ભગારામ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. જોકે, હોટલ ચલાવતો આશુ કસબારામ બિશ્નોઈ પોલીસની રેડ દરમિયાન નાસી છૂટતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કપુરાઈ પોલીસની ટીમ નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી બાયપાસ પાસે આવેલી આપેશ્વર મહાદેવ હોટલમાં ખાણીપીણીના ધંધાની આડમાં પોષડોડાનો જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે પીઆઈ ડી.સી. રાઓલ, પીએસઆઈ કે.ડી. પરમાર અને સ્ટાફે હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ હોટલ સંચાલક આશુ બિશ્નોઈ ભાગી ગયો હતો, જ્યારે ભગારામ બિશ્નોઈને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન હોટલના સ્ટોરેજ રૂમ અને પાછળના ભાગેથી 21.155 કિલો પોષડોડા મળી આવ્યા હતા. ઉપરાંત બે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આશુ બિશ્નોઈની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હોટલની આડમાં ચાલતા નશાના કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.