ભારત

કોલકાતામાં 16 રસ્તા અને 15 મેટ્રો સ્ટેશનનાં નામ બદલવાની વિચારણા, લેનિન સરણી સહિતના માર્ગો યાદીમાં

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના શહેરી નકશા અને ઐતિહાસિક ઓળખમાં ફેરફાર થવાની શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નામકરણ સમિતિએ કોલકાતા અને આસપાસના વિસ્તારોના ઓછામાં ઓછા 16 મુખ્ય રસ્તાઓ તથા 15 મેટ્રો સ્ટેશનોનાં નામ બદલવાના પ્રસ્તાવો પર ચર્ચા શરૂ કરી છે. આ યાદીમાં લેનિન સરણી, હો ચી મિન્હ સરણી, કાર્લ માર્ક્સ સરણી, સ્ટ્રેન્ડ રોડ અને વિશ્વ બાંગ્લા સરણી જેવા જાણીતા માર્ગોનો સમાવેશ થાય છે.

સમિતિના અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ મહારાજ (કાર્તિક મહારાજ) અને સભ્ય તથા પૂર્વ રાજ્યપાલ તથાગત રોયની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નાગરિકો અને વિવિધ સંસ્થાઓ તરફથી મળેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રસ્તાવિત નામોમાં ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને જાણીતી વ્યક્તિઓ સાથે જોડાયેલાં નામોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.

બેઠકમાં રજૂ થયેલા પ્રસ્તાવો મુજબ, સ્ટ્રેન્ડ રોડનું નામ બદલીને 'રાજા શશાંક સરણી' રાખવાનું સૂચવાયું છે. વિશ્વ બાંગ્લા સરણીનું નામ 'સત્યેન બોઝ સરણી' અને જવાહરલાલ નેહરુ રોડ એટલે કે ચૌરંગી રોડનું નામ 'સરદાર વલ્લભભાઈ પટેલ સરણી' રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.

જોકે, કેટલાક રસ્તાઓ માટે એકથી વધુ નામના વિકલ્પો સૂચવવામાં આવ્યા હોવાથી તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે. લેનિન સરણીનું નામ બદલીને 'દેબપ્રસાદ ઘોષ સરણી' અથવા 'સૈયદ મુજતબા અલી સરણી' રાખવાના પ્રસ્તાવો છે. આ માર્ગ અગાઉ ધર્મતલ્લા સ્ટ્રીટ તરીકે ઓળખાતો હતો. વર્ષ 1970માં વ્લાદિમીર લેનિનની જન્મ શતાબ્દી નિમિત્તે તેનું નામ બદલીને લેનિન સરણી રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે, હો ચી મિન્હ સરણી માટે 'માર્ટિન લ્યુથર કિંગ સરણી' અથવા 'અમર ગોપાલ બોઝ સરણી' નામ સૂચવવામાં આવ્યાં છે. જ્યારે કાર્લ માર્ક્સ સરણીનું નામ બદલીને 'કવિ મધુસૂદન સરણી' અથવા 'કવિ રંગલાલ સરણી' રાખવા અંગે વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત એલિયટ રોડ, પંડિતિયા રોડ, પાર્ક સર્કસ કનેક્ટર અને હાઝરા રોડનાં નામ બદલવાના પ્રસ્તાવો પણ સમિતિ સમક્ષ છે.

રસ્તાઓની સાથે કોલકાતા મેટ્રોની બ્લુ અને ઓરેન્જ લાઇન પર આવેલા આશરે 15 સ્ટેશનોનાં નામ બદલવા અંગે પણ ચર્ચા થઈ છે. સમિતિનું માનવું છે કે મેટ્રો સ્ટેશનોનાં નામ વ્યક્તિવિશેષના નામ પર રાખવાને બદલે જે-તે વિસ્તારની સ્થાનિક ઓળખ સાથે જોડવામાં આવે તે વધુ યોગ્ય રહેશે. આ અંગેની ભલામણો મેટ્રો રેલવે સત્તામંડળને મોકલવામાં આવશે અને અંતિમ નિર્ણય રેલવે તંત્ર લેશે.

પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે જણાવ્યું હતું કે કોઈ પણ રસ્તાનું નામ બદલતાં પહેલાં તેના મૂળ ઇતિહાસ અને મહત્ત્વની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ માટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ની સંશોધકોની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ મહારાજે જણાવ્યું હતું કે પ્રથમ બેઠકમાં પ્રાથમિક ચર્ચા પૂર્ણ થઈ છે અને આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે. આ બેઠકમાં સંશોધન અહેવાલની સમીક્ષા કર્યા બાદ અંતિમ ભલામણો પશ્ચિમ બંગાળ વિધાનસભાને સુપરત કરવામાં આવશે. ત્યારબાદ નામ બદલવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો