ભારત

સીમાંકન ખરડા પર વિપક્ષી એકતામાં તિરાડ? ખડગે આજે સ્ટાલિન અને શરદ પવારને મળશે

સીમાંકન ખરડાને લઈને વિપક્ષી પક્ષોમાં મતભેદો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ચેન્નાઈમાં ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિન અને મુંબઈમાં એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે અલગ-અલગ મુલાકાત કરશે. સંસદના વિશેષ સત્ર પહેલાં યોજાનારી આ બેઠકોમાં ખડગે બંને નેતાઓને સીમાંકન ખરડા અંગે કેન્દ્ર સરકારને સમર્થન ન આપવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. આ મુલાકાતોમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પણ સામેલ થઈ શકે છે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ખડગે બપોરે 2 વાગ્યે સ્ટાલિનને મળશે. ત્યારબાદ તેઓ મુંબઈ જઈને રાત્રે 8 વાગ્યે શરદ પવાર સાથે બેઠક કરશે. જોકે, બંને પ્રાદેશિક પક્ષોએ સીમાંકનના સુધારેલા ખરડાને સમર્થન આપવાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. એનસીપી (એસપી)એ ખરડાને ટેકો આપવાનો નિર્ણય અંતિમ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ડીએમકેએ પણ સુધારેલા મુસદ્દાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

ડીએમકેના સમર્થન પાછળનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્ર સરકારે લોકસભાની બેઠકોમાં તમામ રાજ્યો માટે 50 ટકાનો વધારો કરવાની તેની માંગ સ્વીકારી હોવાનું પક્ષે જણાવ્યું છે. શનિવારે પક્ષના સાંસદોની બેઠકમાં સુધારેલા ખરડાના મુસદ્દાની સમીક્ષા કર્યા બાદ સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટાલિને જણાવ્યું હતું કે નવા ખરડામાં ડીએમકેએ રજૂ કરેલી બે મુખ્ય માંગણીઓનો લેખિતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ, તમિલનાડુની લોકસભા બેઠકોમાં તેનો 7.18 ટકાનો હિસ્સો જળવાઈ રહે અને તેમાં ઘટાડો ન થાય. બીજી, 1971ની વસ્તી ગણતરીના આધારે સંસદમાં રાજ્યોનું હાલનું પ્રતિનિધિત્વ જાળવી રાખવામાં આવે.

સ્ટાલિને કહ્યું હતું કે ડીએમકેએ એપ્રિલમાં રજૂ કરાયેલા અગાઉના ખરડાનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમાં આ બંને ખાતરીઓ આપવામાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ, સુધારેલા ખરડામાં પક્ષની માંગણીઓનો સમાવેશ થવો એ 2024થી ચલાવવામાં આવેલા સતત સંઘર્ષની જીત છે. તેમણે તેને તમિલનાડુ સહિત દક્ષિણનાં તમામ રાજ્યોની જીત ગણાવી હતી. સ્ટાલિને એમ પણ કહ્યું હતું કે ખરડાને જતો કરવાથી શું પરિણામ આવી શકે છે તેનો પણ શાંતિથી વિચાર કરવો જોઈએ. નવા મુસદ્દામાં 1971ની વસ્તી ગણતરીના આધારે તમામ રાજ્યોની લોકસભા બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની જોગવાઈ છે.

ડીએમકેના નેતા એ. રાજાએ પણ પક્ષના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ખરડાને સમર્થન આપવાનો નિર્ણય તેમની માંગણીઓનો સમાવેશ થવાની શરત પર આધારિત છે. તેમણે દાવો કર્યો હતો કે તમિલનાડુને કોઈ નુકસાન નહીં થાય અને લોકસભામાં રાજ્યનો હિસ્સો 7.18 ટકાથી વધીને 7.21 ટકા થશે. તેમના જણાવ્યા અનુસાર, તમામ પક્ષોની મુખ્ય માંગ સીમાંકન પ્રક્રિયા ન્યાયપૂર્ણ રહે તે જ હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં સંસદના વિશેષ સત્ર પહેલાં સ્ટાલિને અગાઉના સીમાંકન ખરડાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કાળો ધ્વજ ફરકાવ્યો હતો અને ખરડાની નકલ સળગાવીને તેને 'કાળો કાયદો' ગણાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ ખરડો તમિલ લોકોને પોતાની જ ધરતી પર શરણાર્થી જેવી સ્થિતિમાં મૂકી શકે છે.

બીજી તરફ, એનસીપી (એસપી) પાસે લોકસભામાં આઠ સાંસદો છે. પક્ષના નેતાઓએ સુધારેલા સીમાંકન પ્રસ્તાવને બંધારણીય જરૂરિયાત ગણાવીને સમર્થન આપવાની વાત કરી છે. પક્ષના શહેર પ્રમુખ વિશાલ તાંબેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ આ મુદ્દે પક્ષનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પક્ષની માગ છે કે બેઠકોમાં વધારો કરતી વખતે દરેક રાજ્યને હાલમાં ફાળવાયેલી બેઠકોનું પ્રમાણ જાળવી રાખીને તેમાં 50 ટકાનો વધારો કરવામાં આવે.

દરમિયાન, સમાજવાદી પાર્ટીએ પણ સંસદના આગામી સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ લોકસભા સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો છે. આ વ્હિપ દ્વારા સાંસદોને પક્ષના નિર્દેશનું કડક પાલન કરવા જણાવાયું છે.

સંસદમાં સંખ્યાબળની દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્ત્વનો બની શકે છે. એનડીએ પાસે અંદાજે 320 સાંસદોનું સંખ્યાબળ હોવાનું જણાવાયું છે. તેમાં ભાજપના 241 સાંસદો ઉપરાંત સહયોગી પક્ષો અને અન્ય જૂથોના સભ્યોનો સમાવેશ થાય છે. જો ડીએમકેના 22 અને એનસીપી (એસપી)ના આઠ સાંસદો પણ ખરડાના સમર્થનમાં આવે તો સમર્થનનો આંકડો આશરે 350 સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ખડગેની બંને નેતાઓ સાથેની મુલાકાતો અને વિપક્ષી પક્ષોનું બદલાતું વલણ સંસદના વિશેષ સત્ર પહેલાં રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બન્યું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો