સુરત

રોલ પોલિશ મશીનમાં દુપટ્ટો ફસાતાં 32 વર્ષીય મહિલાનું કરુણ મોત

સચિન GIDC વિસ્તારમાં રોલ પોલિશ મશીન પર કામ કરતી વખતે દુપટ્ટો મશીનમાં ફસાઈ જતાં 32 વર્ષીય મહિલાનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નાઈટ શિફ્ટ દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી શ્રમિક પરિવારમાં શોક છવાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુરનાં વતની અને હાલ સચિન GIDC વિસ્તારમાં રામેશ્વર કોલોની સ્થિત પ્રદીપ શાહુની ચાલમાં રહેતાં અર્ચનાબેન સુનિલકુમાર સૈની (ઉં.વ. 32) સચિન GIDC ખાતે આવેલા એક રોલ પોલિશ ખાતામાં નોકરી કરતાં હતાં. તેઓ ગત રાત્રે નાઈટ શિફ્ટમાં કામ પર ગયાં હતાં.

દરમિયાન વહેલી સવારે મશીન પર કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક તેમનો દુપટ્ટો ચાલુ મશીનમાં ફસાઈ ગયો હતો. જેના કારણે મોઢા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના પતિ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સંતાનમાં તેમને બે પુત્ર છે. આ બનાવ અંગે સચિન GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો