વિશ્વ

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં 5ની તીવ્રતાનો ભૂકંપ, એરપોર્ટના ટર્મિનલને નુકસાન; 45 મિનિટમાં 4 આફ્ટરશોક્સ

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જિલસ વિસ્તારમાં શનિવારે (28 નવેમ્બર) 5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે અનેક સ્થળોએ નુકસાન થયું હતું. લોસ એન્જિલસ એરપોર્ટના ટર્મિનલમાં છતની ટાઇલ્સ અને પેનલ્સ નીચે પડી ગયાં હતાં, જ્યારે કેટલાક કાચ પણ તૂટી ગયા હતા. આ ઉપરાંત એક ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભૂકંપ બાદ આવેલા આફ્ટરશોક્સને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

મુખ્ય ભૂકંપ બાદ માત્ર 45 મિનિટમાં ચાર આફ્ટરશોક્સ નોંધાયા હતા. આંચકાની અસર એટલી હતી કે મકાનો અને ઇમારતો ધ્રૂજી ઊઠ્યાં હતાં. દુકાનોમાં રાખેલો સામાન નીચે પડી ગયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં જ લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. સતત આવેલા પશ્ચાત આંચકાઓને કારણે લોકોમાં વધુ ભય ફેલાયો હતો.

ભૂકંપના કારણે લોસ એન્જિલસ એરપોર્ટના ટર્મિનલ-7માં કેટલાક કાચ તૂટી ગયા હતા અને છતનાં પેનલ્સ નીચે પડી ગયાં હતાં. જોકે, આ નુકસાન છતાં હવાઈ મુસાફરી અને ફ્લાઇટ કામગીરી પર કોઈ મોટી અસર પડી નહોતી. ઘટના બાદ લોસ એન્જિલસ ફાયરબ્રિગેડ વિભાગે તાત્કાલિક ઇમરજન્સી સિસ્ટમ સક્રિય કરી હતી. શહેરનાં તમામ 106 ફાયર સ્ટેશનોમાંથી કર્મચારીઓને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ અને ઇમારતોની સુરક્ષા તપાસવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

સુરક્ષાનાં પગલાંરૂપે મેનહટન બીચ અને હર્મોસા બીચના દરિયાકિનારે આવેલા પિયર્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું હતું કે ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વર્ષ 2014માં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદનો આ 12 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું માનવામાં આવે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો