સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ: ગુકેશ અને સિંદારોવ વચ્ચે ચોથો ડ્રો

જિનીવા, 28 નવેમ્બર (PTI): ભારતના ડિફેન્ડિંગ ચેમ્પિયન ડી. ગુકેશ અને તેમના ઉઝબેક ચેલેન્જર જવોખિર સિંદારોવે અહીં શનિવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં તેમની સતત ચોથી ગેમ ડ્રો રમી હતી, જેમાં આ અતિ રોમાંચક ચોથી ગેમમાં કોઈ પણ ખેલાડી અનાવશ્યક જોખમ લેવા તૈયાર નહોતો. સફેદ મોહરાઓ સાથે રમતા ગુકેશે પેટ્રોવ ડિફેન્સમાં સિંદારોવ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉઝબેક ખેલાડીએ સ્થિતિને સંતુલિત રાખવા માટે સચોટ ચાલો રમી હતી. એક રસપ્રદ મુકાબલા અને ચાલોના આદાન-પ્રદાન બાદ, 14 ગેમની આ ચેમ્પિયનશિપમાં સ્કોર 2-2 ની બરાબરી પર છોડીને 34 ચાલો પછી બંને ખેલાડીઓ ડ્રો પર સહમત થયા હતા.

આ ગેમ જાણીતા પેટ્રોવ ડિફેન્સ સાથે શરૂ થઈ હતી, પરંતુ ગુકેશે એક અસામાન્ય વિચાર રજૂ કર્યો હતો. સિંદારોવે અપરિચિત સ્થિતિનું આકલન કરવામાં સમય લીધા બાદ પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ખેલાડીએ પોતાના મોહરાઓનો વિકાસ કરવાનું ચાલુ રાખ્યું અને નવમી ચાલ પર વધુ એક રસપ્રદ વિચાર રજૂ કર્યો હતો. આ ક્વીન મેન્યુવરનો હેતુ હુમલાની તકો ઊભી કરવાનો અને કાળા મોહરાઓની સ્થિતિ પર દબાણ બનાવવાનો હતો. જોકે, સિંદારોવે આ યોજના સમજી લીધી અને પોતાની સ્થિતિ સુરક્ષિત રાખતા પહેલા નવમી ચાલ પર સારી પ્રતિક્રિયા આપી હતી.

ગુકેશે દબાણ જાળવી રાખવા માટે પોતાના મોહરાઓ અને પ્યાદાઓની પ્રગતિ દ્વારા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિંદારોવ સતર્ક રહ્યા હતા અને ભારતીય ખેલાડીને લાંબા સમય સુધી ટકી રહે તેવો ફાયદો મેળવવા દીધો નહોતો. આ પછી ગેમ ચાલોની આપલેના તબક્કામાં પ્રવેશ કરી ગઈ, જેમાં બંને ખેલાડીઓએ પોતાના રૂક ગુમાવ્યા હતા. આ સ્થિતિ ધીમે ધીમે ક્વીન એન્ડગેમમાં પરિવર્તિત થઈ ગઈ, જેનાથી ગુકેશ માટે જીતની તકો ઊભી કરવા માટે બહુ ઓછી જગ્યા રહી હતી.

ભારતીય ખેલાડીએ ક્વીન ચેકની શ્રેણી દ્વારા તકો શોધવાનું ચાલુ રાખ્યું, પરંતુ સિંદારોવે પોતાની સ્થિતિ મજબૂત રાખી હતી. અંત તરફ ખેલાડીઓએ પોતાની ચાલોનું પુનરાવર્તન કર્યું, જેમાં ગુકેશે કાળા રાજાને ચેક આપ્યો અને 34 ચાલો પછી ગેમ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ગુકેશ તેમની નવમી ચાલના વિચારથી ખુશ હતા, જેને તેમણે એક સુંદર ખ્યાલ ગણાવ્યો હતો. જોકે, ભારતીય ખેલાડીએ સ્વીકાર્યું હતું કે આ સ્થિતિએ બંને ખેલાડીઓ માટે આગળ વધવાની મર્યાદિત તકો જ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, જો બે મજબૂત ખેલાડીઓ સારી ગેમ રમે તો ડ્રો સૌથી સંભવિત પરિણામ છે. પરંતુ ઘણી બધી રસપ્રદ બાબતો બની રહી છે. Qb1 એવો સુંદર વિચાર છે કે મારે તે રમવો જ પડ્યો... અમે રસપ્રદ કામ કરી રહ્યા છીએ, બંને સારો રમી રહ્યા છીએ, બંને મજબૂત ખેલાડીઓ છે. હજી ઘણી બધી ગેમ્સ રમવાની બાકી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને સિંગાપોરમાં તેમની અગાઉની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ સાથે વર્તમાન મુકાબલાની સરખામણી કરતા જણાવ્યું હતું કે સિંદારોવ સામેની લડાઈ અત્યાર સુધી વધુ સમાન સ્તરની રહી છે.

ગુકેશે જણાવ્યું હતું કે, સિંગાપોરમાં નિશ્ચિતપણે ઘણા વધુ ચઢાવ-ઉતાર આવ્યા હતા. અહીં, આ ખૂબ જ ઉચ્ચ સ્તરનું છે અને આપણા બંનેની રમત એકદમ નજીક રહી હોય તેવું લાગે છે. સિંદારોવનું માનવું હતું કે આ પરિણામ મુકાબલાનું યોગ્ય પ્રતિબિંબ છે, અને તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે બંને ખેલાડીઓ ઉચ્ચ સ્તરની સચોટતા જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.

ઉઝબેક ખેલાડીએ જણાવ્યું હતું કે, ચેસ એક સમાન રમત છે. જો બંને પક્ષો સારો રમે તો તે હંમેશાં ડ્રો જ રહેશે. આજની ગેમ જટિલ હતી, અમે બંનેએ સારો રમત રમી, તેથી ડ્રો એ સામાન્ય પરિણામ છે... આગામી દસ ગેમ્સ ખૂબ જ રસપ્રદ રહેશે. પ્રથમ ચાર ક્લાસિકલ ગેમ્સ હવે ડ્રોમાં સમાપ્ત થઈ છે, અને કોઈ પણ ખેલાડી શરૂઆતની સરડાઈ મેળવવામાં સફળ રહ્યો નથી. આ પરિણામ ચેમ્પિયનશિપના આગામી રસપ્રદ તબક્કાની શરૂઆત કરે છે, કારણ કે હજી 10 ગેમ્સ રમવાની બાકી છે. ટાઇટલ મુકાબલામાં પ્રથમ સફળતા મેળવવા માટે બંને ખેલાડીઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સિંદારોવ પાસે પાંચમી ગેમમાં સફેદ મોહરાઓ હશે.

(PTI)

વધુ માહિતી

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની આ રોમાંચક મેચ સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા ખાતે આવેલી માર્ટિન બોડમર ફાઉન્ડેશન નામની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંસ્થામાં રમાઈ રહી છે. આ ભવ્ય મુકાબલો ૨૪ નવેમ્બરથી શરૂ થઈને ૧૨ ડિસેમ્બર સુધી ચાલવાનો છે, જેમાં વિશ્વભરના ખેલાડીઓની નજર ટાઈટલ પર છે.

ઉઝબેકિસ્તાનના યુવા ગ્રાન્ડમાસ્ટર જવોખિર સિંદારોવે આ વર્ષે સાયપ્રસ ખાતે યોજાયેલી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ચેલેન્જર તરીકે ક્વોલિફાઇ કર્યું હતું. આ અગાઉ વર્ષ ૨૦૨૫માં સિંદારોવે શાનદાર પ્રદર્શન કરીને ફિડે વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો હતો.

ભારતના સ્ટાર ખેલાડી ડી. ગુકેશે વર્ષ ૨૦૨૪માં ચીનના ડિંગ લિરેનને હરાવીને ઇતિહાસ રચ્યો હતો અને સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ખિતાબ મેળવ્યું હતું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો