ક્રિકેટ

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી: ચીનને હરાવી ભારતે સતત ત્રીજી વખત જીત્યું ટાઈટલ

ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે 28 નવેમ્બરે ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ ચીનને 3-1થી હરાવીને સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT)નો ખિતાબ જીતી હેટ્રિક સર્જી છે.

અગાઉ 2023માં રાંચી અને 2024માં રાજગીરમાં ટાઇટલ જીતનાર ભારતીય ટીમ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. આ વર્ષે એશિયન ગેમ્સમાં ચીનને હરાવી 2028 ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય થયા બાદ અને 25 નવેમ્બરે જાપાન સામે 4-0ની જીત સાથે ઐતિહાસિક વર્લ્ડ નંબર 4 રેન્કિંગ મેળવ્યા બાદ ભારતનું આ શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે.

મેચમાં ચીને આક્રમક શરૂઆત કરી હતી અને ભારતીય ગોલકીપર બિચુ દેવી ખારીબામના શાનદાર બચાવ છતાં 25મી મિનિટે ચેન યુજુને ફિલ્ડ ગોલ કરી ચીનને 1-0ની સરસાઈ અપાવી હતી. જોકે, હાફ ટાઇમ બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. 38મી મિનિટે દીપિકાએ પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરી સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ 42મી મિનિટે નેહા ગોયલ અને નવનીત કૌરના પાસ પર ઇશિકાએ ફિલ્ડ ગોલ કરી ભારતને 2-1થી આગળ કર્યું હતું.

એક જ મિનિટ બાદ 43મી મિનિટે દીપિકાએ વધુ એક પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. દીપિકા ટૂર્નામેન્ટમાં કુલ 10 ગોલ (9 પેનલ્ટી કોર્નર અને 1 ફિલ્ડ ગોલ) સાથે ટોપ સ્કોરર રહી હતી. આ સાથે ભારતે ચીન સામે ટૂર્નામેન્ટની ત્રણેય ફાઈનલ (2016, 2024 અને 2026) જીતવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો