કોલકાતા, તા. 28 (પીટીઆઈ): ગુજરાતની 14 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી જેન્સી કનાબરે શનિવારે સાનિયા મિર્ઝાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે પ્રોફેશનલ સિંગલ્સ ફાઈનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
જૂનાગઢમાં રહેતી જેન્સીએ HCL ITF W-15 કોલકાતા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં નેધરલેન્ડ્સની ફ્લોરેન્ટાઈન ડેકર્સને માત્ર 54 મિનિટમાં 6-1, 6-0થી હરાવી પ્રથમ પ્રોફેશનલ સિંગલ્સ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
14 વર્ષ અને 11 મહિનાની ઉંમરે આ સિદ્ધિ મેળવી જેન્સીએ સાનિયા મિર્ઝાનો 2002નો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે સાનિયાએ 15 વર્ષ અને 10 મહિનાની ઉંમરે હૈદરાબાદમાં ITF સિંગલ્સ ફાઈનલ રમી હતી.
બિનક્રમાંકિત (કોઈપણ સિડ ન ધરાવતી) જેન્સીએ કોલકાતામાં એક પણ સેટ ગુમાવ્યા વિના તમામ ચાર મેચ જીતી છે. તેણે પ્રથમ રાઉન્ડમાં રિયા સચદેવાને 6-1, 6-2થી, બીજા રાઉન્ડમાં ડેનમાર્કની એલેના જમશીદીને 6-3, 6-0થી અને ક્વાર્ટર ફાઈનલમાં ચોથી સિડ ધરાવતી રશિયાની મારિયા કાલ્યાકિનાને 7-6(4), 6-2થી પરાજય આપ્યો હતો.
રવિવારે ફાઈનલમાં તેનો મુકાબલો ઇન્ડોનેશિયાની ટોચની ક્રમાંકિત પ્રિસ્કા મેડેલિન નુગ્રોહો સામે થશે.
દરમિયાન, ટૂર્નામેન્ટની મહિલા ડબલ્સ ફાઈનલમાં બીજા ક્રમાંકિત તાઈપેઈની ફાંગ એન લિન અને થાઈલેન્ડની કામોનવાન યોડપેચની જોડીએ ચોથી ક્રમાંકિત ઓન્યુ ચોઈ અને મારિયા પાનક્રાટોવાને 6-4, 6-2થી સીધા સેટોમાં પરાજય આપી ટાઇટલ જીત્યું હતું.