(પ્રતિનિધિ) વડોદરા: લંડનમાં અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધને લઈને ઘરકંકાસ શરૂ થતાં વડોદરાની એક પરિણીતાને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સામે આવી છે. પતિએ પત્ની અને બે પુત્રોને ત્રણ મહિના માટે ભારત લાવી ફરી ઓક્ટોબરમાં લંડન લઈ જવાની ખાતરી આપી હતી, પરંતુ પત્ની અને બાળકોને વડોદરામાં જ રઝળતા મૂકીને પોતે એકલા જ વિદેશ જતા રહ્યા હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, સાસરિયાઓએ પણ પરિણીતાના સ્ત્રીધનના દાગીના પરત આપવાનો ઇનકાર કરી પિયર જતાં રહેવા દબાણ કર્યું હોવાની ફરિયાદ સાથે પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, લંડનમાં રહેતા પતિને માનસી મિશ્રા નામની યુવતી સાથે અફેર હોવાની જાણ પરિણીતાને થતાં પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. પતિ અન્ય યુવતી સાથે ફરતા હોવાની સાથે પત્નીને ગાળો ભાંડતા અને મારઝૂડ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2025માં બીજા પુત્રના જન્મ બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને ઘરકંકાસ યથાવત રહ્યો હતો.
ફરિયાદ મુજબ, પતિએ પત્ની અને બંને બાળકોને ત્રણ મહિના માટે ભારત લાવી ઓક્ટોબરમાં ફરી લંડન લઈ જવાની ખાતરી આપી હતી. જોકે, 7 જુલાઈ 2025ના રોજ પતિ પત્ની અને બાળકોને અહીં જ છોડીને એકલા જ લંડન જતા રહ્યા હતા. ત્યારબાદ પત્નીને દસ વર્ષ પછી પીઆર મળ્યા બાદ લંડન લઈ જવાની વાત કરી હતી. આમ, વિદેશ લઈ જવાની આશા રાખીને બેઠેલી પત્ની અને બે પુત્રો વડોદરામાં જ રહી ગયા હતા.
આટલું જ નહીં, સાસરિયાઓએ પરિણીતાના સ્ત્રીધનના દાગીના પરત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. ભરણપોષણની જવાબદારી સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોની હાજરીમાં સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પરિણીતાને અપમાનિત કરવામાં આવી હોવાની ફરિયાદ છે.
પતિના કથિત અફેર, શારીરિક-માનસિક ત્રાસ અને સાસરિયાઓના વલણથી કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. વિદેશમાં રહેતા પતિ દ્વારા પત્ની અને બે સંતાનોની જવાબદારી છોડવાના આક્ષેપે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.