સુરત

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉડાડશો તો કાર્યવાહી

સુરત: આગામી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ઉજવાનારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરેટ દ્વારા પતંગ ઉડાડવા અને તેની સાથે સંકળાયેલી જોખમી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ તેમજ જોખમી સ્થળોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ ઉપરાંત એરપોર્ટ વિસ્તારની સુરક્ષા અને આગની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન એટલે કે તુક્કલ ઉડાડવા, વેચવા અને ખરીદવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પક્ષીઓની સુરક્ષા માટે સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

જાહેર માર્ગો, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ચગાવવા તેમજ વાંસના લાંબા બંબુ કે ધાતુના તારના લંગર વડે કપાયેલા પતંગ અને દોરી પકડવા માટે દોડાદોડી કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પતંગ પર લાગણી દુભાય તેવાં ઉશ્કેરણીજનક લખાણો લખવા સામે પણ પ્રતિબંધ મૂકાયો છે.

પોલીસ કમિશનરનું આ જાહેરનામું સમગ્ર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ૧ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ ૦૦:૦૦ કલાકથી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ૨૪:૦૦ કલાક સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ એ.એસ.આઈ. કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન નાગરિકોની સલામતી અને પક્ષીઓના રક્ષણ માટે પોલીસે આ પ્રતિબંધોનું પાલન કરવા અપીલ કરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો