સુરત

સુરતમાં 12 વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 12 લાખનું વળતર ચૂકવવા ભલામણ

સુરતમાં 12 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભપાતની દવા આપવાના પોક્સો કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી અસ્ફાક આલમ ખલીલ શેખને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે બાળકીના પુનર્વસન અને ભવિષ્યની સુરક્ષા માટે રૂ. 12 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ પણ કરી છે.

ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપી અસ્ફાક શેખે ધોરણ-5માં અભ્યાસ કરતી સગીરાને ધાકધમકી આપી અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આંખે પાટા બાંધી રમાતી રમત દરમિયાન આરોપી સગીરાને બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. આરોપીએ ગર્ભપાત કરાવવા માટે તેને દવા આપી હતી. ત્યારબાદ સગીરાને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને સતત 10થી 11 દિવસ સુધી માસિક સ્ત્રાવ ચાલુ રહ્યો હતો. 21 એપ્રિલ, 2025ના રોજ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર અને તપાસ દરમિયાન સમગ્ર ઘટના સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે 14 સાક્ષીઓની જુબાની, તબીબી અહેવાલો તેમજ ગર્ભના અવશેષોના એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. બચાવપક્ષે ગુજરાત હાઈકોર્ટમાં સંમતિના આધારે કેસ રદ કરાવવા અરજી કરી હતી, પરંતુ આ અરજી અગાઉ પાછી ખેંચી લેવામાં આવી હતી.

ફરિયાદપક્ષ તરફથી સરકારી વકીલ વિશાલ ફળદુએ કેસ પુરવાર કરવા રજૂઆતો કરી હતી. સ્પેશ્યલ પોક્સો કોર્ટના અધિક સત્ર ન્યાયાધીશ હર્ષદ શામરાવ ખુટવડે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજોનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપી અસ્ફાક શેખને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. સાથે જ ભોગ બનનાર બાળકીના પુનર્વસન અને ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂ. 12 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતને ભલામણ કરી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો