સુરત: ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચંદ્રમણી સોસાયટીમાં શનિવારે સવારે ઘરની બહાર સળગતા સૂકા ઘાસ-પાંદડાના કરચાથી ગુજરાત ગેસની પાઈપલાઈનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ગેસ લાઈનમાં આગ લાગવાના કારણે ઉંચી જ્વાળાઓ ઉઠતાં આસપાસનાં મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સવારે 10 વાગ્યે બનેલી આ ઘટના અંગે ફાયર સબ ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં રૂપાબેન દેસાઈના બંગલાની નજીક પડેલા સૂકા ઘાસ-પાંદડાના કચરામાં આગ લાગી હતી. દરમિયાન દિવાલ પાસે આવેલી ગુજરાત ગેસની પાઈપલાઈન પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગેસનો પુરવઠો બંધ કરાવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.