સુરત

SEZ નો માલ હવે કાગળ પર નહીં, સીધો કોમ્પ્યુટરથી મંજૂર થશે, રિફંડ ઝડપથી મળશે

સુરત: સુરત સહિત દેશભરના SEZ માં કામ કરતા વેપારીઓ અને તેમને માલ આપતા સપ્લાયર્સ માટે મોટા સમાચાર છે. હવે SEZ ના બિલ-ઈન્વોઈસ પર સાહેબની સહી-સિક્કા માટે ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગે 25 નવેમ્બર 2026 ના રોજ નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ, હવે SEZ ઓનલાઈન સિસ્ટમ સીધી GSTN સાથે જોડાઈ ગઈ છે.

અત્યાર સુધી કોઈ વેપારી SEZ ના યુનિટને માલ આપે તો, તેના બિલ પર SEZ ઓફિસમાં જઈને મેન્યુઅલ સહી-સિક્કા કરાવવા પડતા હતા. તેમાં દિવસો લાગતા હતા, ક્યારેક બિલ ખોવાઈ જતું કે વિવાદ થતો. હવે SEZ પોર્ટલ પર બિલ મંજૂર થશે કે તરત જ તેની વિગતો આપોઆપ GST ની સિસ્ટમમાં પહોંચી જશે. એટલે કે, હવે કાગળની મંજૂરી તાત્કાલિક બંધ.

વેપારીઓએ શું કરવાનું?

SEZ યુનિટ, ડેવલપર અને કો-ડેવલપરે હવે પોતાના બિલ સમયસર SEZ ઓનલાઈનના ખાસ મોડ્યુલમાં જ ભરવાના રહેશે. જેમ કે, DTA માંથી માલ ખરીદવાનું ફોર્મ, એક્સપોર્ટ બેનિફિટ વાળું ફોર્મ અને સર્વિસ માટેનું DSPF ફોર્મ. તેનાથી કાગળની દોડધામ ખતમ, કામ ઝડપી થશે. બિલની ખરાઈ આપોઆપ થશે, એટલે વિવાદ ઓછો થશે. સૌથી મોટો ફાયદો એ થશે કે GST રિફંડ ઝડપથી મળશે. જોકે, રિફંડ માટે માલ ખરેખર મળ્યો હોવાનો પુરાવો આપવાનો નિયમ તો એ જ રહેશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો