વડોદરા

1 ડિસેમ્બરથી GST રિફંડની પ્રક્રિયામાં મોટો ફેરફાર,વેપારીઓ અને નિકાસકારો માટે નવા નિયમો લાગુ પડશે :

આગામી 1 ડિસેમ્બરથી જીએસટી રિફંડ મેળવવા માટેની અરજીની પદ્ધતિમાં મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. જીએસટી નેટવર્ક દ્વારા રિફંડ માટેના મુખ્ય ફોર્મમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે વેપારીઓ અને ખાસ કરીને નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓએ હવે નવી રીતે અરજી કરવી પડશે.

નવી વ્યવસ્થામાં અરજદારે પોતાના વ્યવસાય, વેચાણ કરેલી ચીજવસ્તુ કે સેવાનો કોડ, તેના પર લાગતો ટેક્સનો દર સહિતની વિગતો વધુ સ્પષ્ટ રીતે આપવી પડશે. આ માટે ફોર્મમાં અલગ-અલગ કોલમ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિફંડના પ્રકાર પ્રમાણે બે નવી કેટેગરી પણ શરૂ કરવામાં આવી છે. નવી કેટેગરીમાં નિકાસકારોએ પોતાના રિફંડનો દાવો કયા પ્રકારનો છે તે સ્પષ્ટ કરવાનું રહેશે. જેના કારણે અરજીની ચકાસણી ઝડપી અને વધુ પારદર્શક બનશે તેવો તંત્રનો દાવો છે. જોકે, આ ફેરફારને કારણે જે વેપારીઓએ અગાઉ અરજી શરૂ કરી હોય પણ પૂરી કરી ન હોય તેમને હવે નવા ફોર્મેટ મુજબ ફરીથી અરજી કરવી પડી શકે છે. તેથી નિષ્ણાતો વેપારીઓને અગાઉથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપી રહ્યા છે. 1 ડિસેમ્બરથી નવી સુવિધા જીએસટી પોર્ટલ પર ઉપલબ્ધ થશે. ત્યારબાદ તમામ રિફંડ અરજીઓ નવા ફોર્મેટમાં જ સ્વીકારવામાં આવશે. વેપારીઓએ નવી માર્ગદર્શિકાનો અભ્યાસ કરીને ભૂલ વગર અરજી કરે તે જરૂરી બનશે, જેથી રિફંડ અટકે નહીં.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો