સુરત: સુરતમાં આવકવેરા વિભાગના મેગા સર્ચ ઓપરેશનનો બીજા દિવસે પણ ધમધમાટ યથાવત છે. શુક્રવાર સવારથી શરૂ થયેલી કાર્યવાહી બાદ હવે અધિકારીઓએ જપ્ત કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ વખતે તપાસનું સૌથી મોટું હથિયાર ફોરેન્સિક તપાસ બનશે.
મુંબઈ આવકવેરા વિભાગ દ્વારા મુંબઈની ફૂડ કેમિકલ બનાવતી કંપની 'રોહા ફૂડ' સાથે જોડાયેલી સુરતના પાંડેસરા અને સચીન વિસ્તારની 'શ્રી અરિહંત ડાય કેમ' અને 'અંકાય ઇન્ડસ્ટ્રીઝ' સહિત વાપી અને દહેજના યુનિટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહીમાં બોગસ લોન અને બિલિંગને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો, જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણના રેકોર્ડ જપ્ત કરાયા છે.
દરોડા દરમિયાન દસ્તાવેજો ઉપરાંત મોટી સંખ્યામાં લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે લેવાયા છે. હવે આ ડિવાઈસમાંથી ડેટા મેળવવા માટે આવકવેરા વિભાગ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેશે. સૂત્રો મુજબ, ફોરેન્સિક તપાસ દ્વારા ડિલીટ કરી દેવાયેલો ડેટા પણ રિકવર કરવામાં આવશે. સત્તાવાર હિસાબી ચોપડા અને ડિજિટલ રેકોર્ડનું મેચિંગ કરવામાં આવશે, જેથી કંપનીઓએ છુપાવેલા વ્યવહારોનો પર્દાફાશ થઈ શકે.
શંકાસ્પદ વ્યવહારો ખંગોળાયા
વિભાગીય સૂત્રોનું કહેવું છે કે, મુંબઈની મુખ્ય કંપની અને સુરત, વાપી તથા દહેજના યુનિટો વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારો, આંતરિક બિલિંગ અને લોન સંબંધિત કાગળો ખંગોળાઈ રહ્યા છે. જપ્ત કરાયેલા રેકોર્ડમાં ઘણા શંકાસ્પદ દસ્તાવેજો પણ સામેલ છે, જેની વિસ્તૃત તપાસ બાદ જ તેમનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ થશે.અધિકારીઓનું માનવું છે કે, તમામ દસ્તાવેજો અને ફોરેન્સિક રિપોર્ટની સંપૂર્ણ પડતાલ પૂરી થયા બાદ જ કરચોરી અને નાણાકીય અનિયમિતતાનો સાચો આંકડો સામે આવશે.