વડોદરા

જરોદથી ઝડપાયેલા આતંકીના પાકિસ્તાન કનેક્શનના ખુલાસા, એરફોર્સ સ્ટેશનના ફોટો-વીડિયો મોકલ્યા હોવાની કબૂલાત

વડોદરા જિલ્લાના જરોદમાંથી ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા આસામી આતંકીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ દરમિયાન આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાકિસ્તાન મોકલ્યા હોવાની વિગતો બહાર આવી છે. બીજી તરફ ATS દ્વારા આરોપીના ઘરે કરવામાં આવેલી સર્ચ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના ઝંડા, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરની પુસ્તક સહિતનું શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે. આરોપી ઉત્તર પ્રદેશના દેવબંદની મદરેસામાં અભ્યાસ કરતો હતો અને જૈશ-એ-મોહમ્મદમાં જોડાતા પહેલાં તેણે શપથ લીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત ATSની તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશનની સંવેદનશીલ માહિતી એકત્રિત કરતો હતો અને તેના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પાકિસ્તાન મોકલતો હતો. આ માહિતી કોને અને કયા માધ્યમથી મોકલવામાં આવી હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

ATSએ આરોપીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના ઝંડા, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરનું પુસ્તક તેમજ જેહાદી લખાણ મળી આવ્યાં હતાં. આ સાહિત્યના આધારે આરોપીની વિચારધારા અને સંગઠન સાથેના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસમાં આરોપી ઉત્તર પ્રદેશના દેવબંદની મદરેસામાં અભ્યાસ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં જોડાતા પહેલાં તેણે શપથ લીધા હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. આ ઉપરાંત તે ઇસ્લામિક મુવમેન્ટ સાથે પણ જોડાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, પોસ્ટ્સ અને બેંક ખાતાંની વિગતો મેળવવાની કવાયત

હવે ATS દ્વારા આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, પોસ્ટ્સ અને બેંક ખાતાંની વિગતો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેના નાણાકીય વ્યવહારો, સોશિયલ મીડિયા પર કોની સાથે સંપર્કમાં હતો અને પાકિસ્તાન સાથેના સંભવિત કનેક્શન અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ આરોપીના નેટવર્ક, સંપર્કો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

આસામના તુંગીબારી ગામનો રહેવાસી સાહરૂલ એક વર્ષથી સોશિયલ મીડિયા પર જેહાદી પ્રવૃત્તિઓ અંગે સર્ચ કરતો હતો

આતંકવાદી હથિયાર ચલાવવા આતુર હતો, પરંતુ હેન્ડલરની સૂચના મળે ત્યારબાદ જ ઉપયોગ કરવાનો હુકમ હતો

આતંકી સાહરૂલના પાકિસ્તાનના બે હેન્ડલર સામે ATSની તપાસ શરૂ

ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે સાહરૂલ કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હતો અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાવા ઇચ્છતો હતો. પાકિસ્તાનમાં આ સંગઠન સાથે જોડાવાની તેની ઇચ્છા હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયા બાદ તેને પ્રથમ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. તે હથિયાર ચલાવવા માટે ખૂબ જ આતુર હતો, જોકે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે જ હથિયારનો ઉપયોગ કરવાનો હતો.

સાહરૂલના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસમાં છેલ્લા એક વર્ષથી જેહાદી પ્રવૃત્તિઓ અને કટ્ટરવાદી વિચારધારા સંબંધિત સર્ચ કરતો હોવાની વિગતો મળી છે. તેના સંપર્કમાં રહેલા પાકિસ્તાનના બે હેન્ડલરની ઓળખ અને તેમની સાથે થયેલી વાતચીત અંગે ATS તપાસ કરી રહી છે.

સેન્ટ્રલ એજન્સીઓ, એરફોર્સ સહિતની વિવિધ તપાસ એજન્સીઓના અધિકારીઓ પણ ગુજરાત ATS પાસે પહોંચી

જરોદથી ઝડપાયેલા આતંકીના આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ એજન્સીઓ, એરફોર્સ સહિતની વિવિધ તપાસ એજન્સીઓના અધિકારીઓ પણ ગુજરાત ATS પાસે પહોંચ્યા છે. સાહરૂલની પૂછપરછ અને અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે વિવિધ એજન્સીઓ સંકલનમાં રહીને તપાસ આગળ વધારી રહી છે. હવે પાકિસ્તાની હેન્ડલરો સાથેના સંપર્કો, સોંપવામાં આવેલા ટાસ્ક અને આ મોડ્યુલમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસનો ધમધમાટ તેજ થયો છે.

આસામથી યુપી સુધી ATSની તપાસનો ધમધમાટ, મોડ્યુલ સાથે જોડાયેલા શંકાસ્પદોની શોધખોળ

આતંકી સાહરૂલના નેટવર્કની કડીઓ મેળવવા ગુજરાત ATSએ તપાસનો વ્યાપ વધાર્યો છે. ATSની અલગ-અલગ ટીમો આસામ, વડોદરા, દાહોદ અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરી રહી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ મોડ્યુલમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને તેમની ભૂમિકા શું છે તે જાણવા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની હેન્ડલરો સાથેના સંપર્કો અને સમગ્ર નેટવર્કની વિગતો મેળવવા તપાસ તેજ બનાવાઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો