ક્રિકેટ

મુંબઈ ઇન્ડિયન્સને સાચી દિશાની જરૂર છે, તેથી ફરી કેપ્ટનશિપ સ્વીકારી: રોહિત

મુંબઈ, તા. 28 (પીટીઆઈ): રોહિત શર્માએ ખુલાસો કર્યો છે કે IPL 2026ના નિરાશાજનક અભિયાન બાદ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઊંડા વિચાર-વિમર્શ બાદ તેણે પાંચ વખતની ચેમ્પિયન ટીમને જરૂરી દિશા આપવાની જવાબદારી સ્વીકારી છે.

મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લે 2020માં રોહિતની આગેવાનીમાં પાંચમું ટાઇટલ જીત્યું હતું. 2024ની સિઝન પહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય સફળ રહ્યો ન હતો.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં રોહિતે IPL 2026માં ટીમ નવમા સ્થાને રહ્યા બાદ ટીમના માલિક આકાશ અંબાણી સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. રોહિતે કહ્યું, ‘શરૂઆતમાં મને લાગ્યું કે હું અત્યારે આના માટે તૈયાર નથી. પરંતુ ઘરે જઈને વિચાર્યું કે આ ટીમ મેં બનાવી છે અને 10 વર્ષ સુધી તેની કેપ્ટનશિપ કરી છે. ટીમને અત્યારે એક ચોક્કસ દિશાની જરૂર છે, તેથી મેં ફરી આ પડકાર સ્વીકાર્યો.’

રોહિતે સ્પષ્ટ કર્યું કે નિરાશા પ્લેઓફમાં ન પહોંચવાની ન હતી, પરંતુ ટીમ સારું ક્રિકેટ રમી શકી ન હતી અને દબાણ સામે આખી ટીમ નિષ્ફળ રહી હતી. તેમણે નવા મુખ્ય કોચ બનેલા જૂના સાથી કિરોન પોલાર્ડ સાથે કામ કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પોલાર્ડને કોચ કરતાં એક મિત્ર તરીકે વધુ જુએ છે, કારણ કે પોલાર્ડ ટીમની સંસ્કૃતિને સારી રીતે સમજે છે. 39 વર્ષીય રોહિતે જણાવ્યું કે તેઓ બહુ આગળનું વિચારવાને બદલે હાલ સામે રહેલા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો