સુરત: સુરત મહાનગરપાલિકાની વર્તમાન બોર્ડના 65 ટકાથી વધુ સભ્યો પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે, પરંતુ નવી ટર્મના આઠ મહિના પૂર્ણ થયા બાદ પણ બિનઅનુભવી અને નવા સભ્યોને મનપાના અધિકારીઓ તથા કર્મચારીઓ ગાંઠતા ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ મનપાની સામાન્ય સભામાં પણ કેટલાક સભ્યો દ્વારા આ મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર તાબા હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચૂંટાયેલી પાંખના ફોન ઉપાડવાની કે લોકપ્રશ્નોની ફરિયાદો સાંભળવાની કાર્યપદ્ધતિ વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છે. શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ફરી એકવાર ભાજપના સભ્યોએ અધિકારીઓ અને કર્મચારીઓ ફોન જ ન ઉપાડતા હોવાની ઉગ્ર રજૂઆત કરીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. બેઠકમાં કમિશનરની ગેરહાજરીમાં હાજર રહેલા ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે અધિકારીઓ અને કર્મચારીઓની આ પ્રકારની અશિસ્ત હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સમિતિના મોટાભાગના સભ્યો તરફથી એવી સામાન્ય ફરિયાદ ઉઠી છે કે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે ઝોનના અધિકારીઓ કે કર્મચારીઓને ફોન કરવામાં આવે છે, ત્યારે મોટાભાગના કિસ્સામાં તેઓ ફોન રિસીવ જ કરતા નથી. અગાઉ સામાન્ય સભામાં ધ્યાન દોર્યા છતાં પરિસ્થિતિમાં સુધારો થયો નથી અને કોર્પોરેટરો દ્વારા લેખિતમાં માંગવામાં આવેલી માહિતી કે પ્રશ્નોના પ્રત્યુત્તર પણ ઝોન તથા વિભાગો દ્વારા એક-એક મહિના સુધી આપવામાં આવતા નથી. ખાસ કરીને ઉધના અને વરાછા-એ ઝોન વિસ્તારમાંથી આ પ્રકારની બેદરકારીની ફરિયાદો સૌથી વધુ સામે આવી રહી છે, જેને ધ્યાને લઈ મનપા કમિશનરને તાત્કાલિક તમામ ઝોન અને વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચના આપવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન ન ઉપાડવા, મહિનાઓ સુધી લેખિત રજૂઆતના જવાબ ન પાઠવવા અને કોર્પોરેટરો સાથે યોગ્ય સંકલન ન રાખવા જેવું અધિકારીઓ-કર્મચારીઓનું વલણ જરાય ચલાવી લેવાશે નહીં. કમિશનર દ્વારા અગાઉ પણ સ્ટાફને પ્રોટોકોલ જાળવવા માટે સૂચનાઓ અપાઈ ચૂકી છે, પરંતુ હવે પછી જો આ પ્રકારની ફરિયાદો ફરીથી ઉભી થશે તો જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં ભરવા માટે શાસકોએ કમિશનરને સીધી સૂચના આપવી પડશે.