સુરત જિલ્લો

માંગરોળ ના સિમોદ્રા ગામે દીપડા એ મરઘાંનું મારણ કર્યું, CCTV માં કેદ થયો

વાંકલ :: ​માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્યપ્રાણીઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તાલુકાના સિમોદરા ગામે ચિરાગ ભાઈ પ્રવીણભાઈ પટેલ ના ઘરની પાછળ ના ભાગે થી રહેણાંક વિસ્તારમાં ઘરની નજીકથી એક ખૂંખાર દીપડાએ મરઘાંનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. શિકાર કરવા આવેલો આ દીપડો નજીકમાંદિલીપભાઈ રામસીંગ ભાઈ પટેલ ના ઘર માં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

​મળતી માહિતી મુજબ, સિમોદરા ગામમાં રાત્રિના સમયે ખોરાકની શોધમાં એક કદાવર દીપડો રહેણાંક મકાનોની એકદમ નજીક આવી ચઢ્યો હતો. દીપડાએ તકનો લાભ ઉઠાવી ઘરની બહાર રહેલા મરઘાં પર તરાપ મારી તેનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સામે આવતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે.​ઉલ્લેખનીય છે કે,માંગરોળ તાલુકામાં દીપડા દેખાવા અને પશુઓ તેમજ મરઘાંનું મારણ કરવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.જંગલ વિસ્તાર છોડીને આવા હિંસક જંગલી જાનવરો વારંવાર ગામડાઓ તરફ આવી ચઢતા હોવાથી ખેડૂતો, પશુપાલકો અને ખાસ કરીને રાત્રિના સમયે અવરજવર કરતા સ્થાનિકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.​કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં વનવિભાગ હરકતમાં આવે અને સિમોદરા ગામે તાત્કાલિક પાંજરું મૂકી આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક માટે નીકળવું પણ મુશ્કેલ થયું છે. રાત્રીના સમયે બહાર નીકળવા ની પણ બીક લાગે છે. ગ્રામજનો ઘરની બહાર નીકળતા પણ ડરે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો