સુરત: મુંબઈ જતા સુરત અને ઉધનાના મુસાફરો માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ એપ્રોનની મરામત અને પુનઃનિર્માણ માટે 1 ડિસેમ્બર 2026 થી 13 ફેબ્રુઆરી 2027 સુધી 75 દિવસનો મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે અનેક મેલ/એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો પ્રભાવિત થશે. આ બ્લોકની સીધી અસર સુરત-ઉધના રૂટ પર પડશે.
પશ્ચિમ રેલવેના સૂત્રો મુજબ, ટ્રેન નંબર 19056 ઉધના - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સ્ટેશન પર જ ટર્મિનેટ થશે. એટલે કે, આ ટ્રેન બાંદ્રા સુધી નહીં જાય. તેવી જ રીતે પરત દિશામાં ટ્રેન નંબર 19055 બાંદ્રા ટર્મિનસ - ઉધના એક્સપ્રેસ પણ 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન બોરીવલીથી સવારે 09:40 વાગ્યે ઉપડશે.
બાંદ્રા જવા માંગતા મુસાફરોએ બોરીવલીથી લોકલ કે અન્ય વાહનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત ભુજ-બાંદ્રા, મડગાંવ-બાંદ્રા, જયપુર-બાંદ્રા જેવી અન્ય ટ્રેનો પણ બોરીવલી સુધી જ શોર્ટ ટર્મિનેટ થશે, જેનો લાભ સુરતથી મુંબઈ જતા મુસાફરોને પણ થશે.
આ ઉપરાંત કેટલીક ટ્રેનોને દાદરથી ચલાવવામાં આવશે. ભુજ-બાંદ્રા એક્સપ્રેસ દાદર સુધી જશે, જ્યારે અજમેર, શ્રી ગંગાનગર અને ભગત કી કોઠી એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ચાલશે.
સુરતથી જતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા
સુરત: પશ્ચિમ રેલવેએ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અનેક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ડિસેમ્બર સુધી લંબાવ્યા છે. સુરત માટે મહત્વની ટ્રેનોમાં 04728 વલસાડ - હિસાર સ્પેશિયલ 31 ડિસેમ્બર સુધી અને 04727 હિસાર - વલસાડ 30 ડિસેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન સુરત થઈને જાય છે. આ ઉપરાંત 09111 વડોદરા - ગોરખપુર 14 ડિસેમ્બર સુધી, 09185 મુંબઈ સેન્ટ્રલ - કાનપુર 13 ડિસેમ્બર સુધી, 09183 મુંબઈ સેન્ટ્રલ - મઉ 9 ડિસેમ્બર સુધી અને 09451 ગાંધીધામ - ભાગલપુર 11 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. 09111 નું બુકિંગ 29 નવેમ્બરથી અને બાકીની ટ્રેનોનું બુકિંગ 30 નવેમ્બરથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.