સુરત

મેટ્રો માટે સુરત-ઉધના વચ્ચે 74 મીટર લાંબો ગર્ડર મુકાશે, રેલવેનો 37 દિવસનો મેગા બ્લોક

સુરત: સુરત મેટ્રો લાઈન-2 ના કામ માટે સૌથી મોટો પડાવ આવી રહ્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે કમેલા દરવાજા પાસે રેલ ટ્રેકની ઉપર મેટ્રો બ્રિજ માટે 74 મીટર લાંબો ઓપન વેબ ગર્ડર લોન્ચ કરવામાં આવશે. તેના માટે પશ્ચિમ રેલવેએ 37 દિવસનું એન્જિનિયરિંગ વર્ક શેડ્યૂલ તૈયાર કર્યું છે. આ કામ દરમિયાન જુદા-જુદા તબક્કે રેલવે ટ્રેક અને ઓવરહેડ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે કે, ગર્ડર લોન્ચિંગની ચોક્કસ તારીખો CRS (કમિશનર ઓફ રેલવે સેફ્ટી) ની મંજૂરી મળ્યા બાદ નક્કી કરવામાં આવશે.

5 દિવસ, રોજ 3 કલાક બ્લોક

આ કામ માટે 5 દિવસ મોટા ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. 7મા દિવસે સોમવારે સવારે 11:30 થી બપોરે 2:30 સુધી, 8મા, 9મા અને 10મા દિવસે મંગળવારથી ગુરૂવાર સુધી સવારે 11:40 થી બપોરે 2:40 સુધી, અને 18મા દિવસે શુક્રવારે પણ આ જ સમયે 3 કલાકનો બ્લોક રહેશે. એટલે કે 5 દિવસમાં કુલ 15 કલાક ટ્રેનોની અવરજવર પ્રભાવિત થશે.

ઉધનાથી દોડશે અમરાવતી એક્સપ્રેસ

બ્લોકને કારણે વિરાર-સુરત મેમૂ (69141) પાંચેય દિવસ ઉધના સુધી જ ચાલશે. ઉધના-સુરત વચ્ચે તે રદ રહેશે. જ્યારે સુરત-અમરાવતી એક્સપ્રેસ (20925) 10મા અને 18મા દિવસે સુરતને બદલે ઉધનાથી ઉપડશે.

કેટલીક ટ્રેનો 3 કલાક સુધી મોડી

7મા દિવસે હિસાર-સિકંદરાબાદ 3 કલાક, ઝાંસી-બાંદ્રા 2 કલાક, ગાંધીધામ-તિરુનેલવેલી 2 કલાક, જયપુર-કોઈમ્બતુર દોઢ કલાક અને સુરત-માલદા ટાઉન 1 કલાક મોડી ઉપડશે. 8મા દિવસે જોધપુર-તાંબરમ 3 કલાક, 9મા દિવસે હિસાર-બાંદ્રા 3 કલાક, હઝરત નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ અઢી કલાક, એકતાનગર-ચેન્નઈ 2 કલાક અને ઉધના-આગ્રા કેન્ટ 45 મિનિટ મોડી ચાલશે. 10મા દિવસે અમદાવાદ-તિરુચિરાપલ્લી 2 કલાક અને 18મા દિવસે બાડમેર-બાંદ્રા 3 કલાક મોડી ઉપડશે. આ ઉપરાંત પાંચેય દિવસે ટ્રેન નંબર 19015, 19016, 12925, 12216, 12471, 12472 અને 22717 સહિત અનેક અપ-ડાઉન ટ્રેનોને રસ્તામાં 15 મિનિટથી 3 કલાક સુધી રોકવામાં આવશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો