સુરત: જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ત્યાં મનમાની રીતે થતી તપાસ અને દરોડા સામે હવે લગામ કસાઈ છે. મંજૂરી વિના જ એમ જ દોડી જતા અધિકારીઓ સામે વેપારીઓની ફરિયાદ ઉઠતા આ નિર્ણય લેવાયો છે.
વડોદરા ઝોનના મુખ્ય જીએસટી કમિશનર વેદ પ્રકાશ શુક્લા દ્વારા 27 નવેમ્બર, 2026 ના રોજ આ અંગેનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર વડોદરા-I, વડોદરા-II, દમણ અને સુરત કમિશનરેટના ચીફ કમિશનર/ કમિશનરને મોકલવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, હવે કોઈપણ વેપારી, ઉદ્યોગકાર કે કરદાતાના ધંધાકીય સ્થળે તપાસ, સર્ચ કે સ્થળ નિરીક્ષણ કરતા પહેલા સક્ષમ ઉચ્ચ અધિકારીની લેખિત મંજૂરી ફરજિયાત રહેશે.
પરિપત્રમાં ઉલ્લેખ છે કે, ધ્યાનમાં આવ્યું છે કે એન્ટી-ઈવેઝન / એચક્યૂ પ્રિવેન્ટિવ ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ એડિશનલ / જોઈન્ટ કમિશનરની પૂર્વ લેખિત મંજૂરી વિના જ રજિસ્ટર્ડ કે અનરજિસ્ટર્ડ વ્યક્તિના ધંધાના સ્થળે સર્ચ / ઈન્સ્પેક્શન / વિઝિટ કરી રહ્યા છે. આ CGST એક્ટ 2017ની કલમ 67 અને કલમ 71 નું સીધું ઉલ્લંઘન છે.
વેપારીઓની ફરિયાદ હતી કે, કેટલાક અધિકારીઓ કોઈપણ લેખિત ઓથોરાઈઝેશન વિના જ સીધા ધંધાના સ્થળે પહોંચી જાય છે, દસ્તાવેજો માંગે છે અને દબાણ ઊભું કરે છે. આવી ફરિયાદો ઉપર સુધી પહોંચતા મુખ્ય કમિશનરે આ પ્રકારની પ્રથા પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.
હવે નવા નિર્દેશ મુજબ, કલમ 67 / 71 હેઠળ કોઈપણ સર્ચ, ઈન્સ્પેક્શન કે એક્સેસ ત્યારે જ થઈ શકશે જ્યારે અધિકારીના નામે એડિશનલ / જોઈન્ટ કમિશનર દ્વારા લેખિતમાં ઈન્સ્પેક્શન ઓથોરાઈઝેશન / સર્ચ ઓથોરાઈઝેશન / લેખિત પરમિશન આપવામાં આવી હોય. તેની જાણ સંબંધિત કમિશનરને પણ કરવાની રહેશે. આ નિયમોનું પાલન નહીં કરનાર અધિકારી સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પરિપત્રની નકલ વડોદરા, સુરત, વાપી અને દમણના તમામ ટ્રેડ એસોસિએશનોને પણ મોકલવામાં આવી છે, જેથી વેપારીઓને તેમના અધિકારોની જાણ થાય અને કોઈ અધિકારી મંજૂરી વિના આવે તો તેનો જવાબ માંગી શકે. આ નિર્ણયથી સુરત સહિત સમગ્ર ઝોનના વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.