સુરત

ભટાર-ઘોડદોડ રોડ પર રૂ. 10.05 કરોડના ખર્ચે આરસીસી રોડ બનશે

સુરત: શહેરના નાગરિકોની સુખાકારી વધારવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ માળખાકીય વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભટાર અને ઘોડદોડ રોડ વિસ્તારમાં અંદાજિત રૂ. 10.05 કરોડના ખર્ચે નિર્માણ થનાર સિમેન્ટ કોંક્રિટ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અઠવા ઝોન વિસ્તારમાં ફાઈનલ ટી.પી. સ્કીમ નં. 9 (મજુરા) તથા પ્રિલિમિનરી ટી.પી. સ્કીમ નં. 27 (ભટાર-મજુરા) અંતર્ગત શ્રીરામ ચોકથી ગીતા રેસ્ટોરન્ટ સુધીના અત્યંત વ્યસ્ત ગણાતા 24 મીટર પહોળાઈના ટી.પી. રસ્તાને આધુનિક આરસીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમય સુધી ટકી રહે તેવા મજબૂત રસ્તાઓ બનાવવાના મનપાના આયોજન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે પૂર્ણ થતાં ભટાર અને ઘોડદોડ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ વેગવંતી બનશે.

આ નવો આરસીસી રોડ તૈયાર થવાથી ખાસ કરીને ચોમાસાની ઋતુમાં રસ્તા પર ખાડા પડવા, પાણી ભરાવા અને રોડ તૂટી જવાની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે, જેનાથી દરરોજ અવરજવર કરતા હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ, મનપાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો