સુરત: ઈન્ડિયા વિમેન્સ અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર થઈ છે.એમાં ધી સુરત ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન (SDCA) વતી રમતી આખ્સાહ સોરેન પરમારની પસંદગી થઈ છે.
ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ ભારતના પ્રવાસે છે.વડોદરામાં રમાયેલી પ્રથમ T 20 મેચમાં સુરતની આખ્સાહ સોરેન પરમારે 35 બોલમાં 52 રન બનાવી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.વડોદરામાં રમાયેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધની બીજી મેચમાં આખ્સાહ પરમારે 81 રનની ફટકાબાજી કરી અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા સાથે ઇતિહાસ સર્જ્યો છે.સુરતની કોઈ મહિલા ક્રિકેટર અંડર 19 એશિયા કપ માટે પસંદ થઈ હોય એવો આ પ્રથમ બનાવ છે.આ ઘટનાને લઈ સુરતના ક્રિકેટ જગતમાં આનંદ ફેલાયો છે.SDCA ના ક્રિકેટ સેક્રેટરી નૈમેષ દેસાઈ એ કહ્યું હતું કે,ઈંગ્લેન્ડ વિરુદ્ધ વડોદરાની બંને મેચોમાં સુરતની આખ્સાહ સોરેન પરમારે ફટકારેલી અર્ધ સદીના યોગદાનથી ભારતની ટીમ 5 T 20 મેચની શ્રેણીમાં 2-0 થી લીડ લઈ શકી છે.આખ્સાહના આ ધમાકેદાર પરફોર્મન્સને લીધે તે પસંદગી એશિયા કપ માટેની અંડર 19 ટીમમાં થઈ છે.ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ત્રીજી,ચોથી અને પાંચમી T 20 મેચ 1,3, અને 6 ડિસેમ્બરે સુરતમાં રમશે.સુરતમાં ઘર આંગણે ઓલરાઉન્ડર આખ્સાહ પરમારના દેખાવ પર સ્થાનિક પ્રેક્ષકોની નજર રહેશે.વડોદરામાં રમાયેલી બીજી મેચમાં આખ્સાહ પરમાર એ 81 રનની ઇનિંગ રમી હતી. દિયા યાદવે પણ 49 બોલમાં આક્રમક 87 રન ફટકારીને પ્રભાવ પાડ્યો હતો. બોલિંગ ઓલરાઉન્ડર ઉમા કશવીએ બે મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે. જેમાં પ્રથમ મેચમાં ત્રણ વિકેટનો સમાવેશ થાય છે.
અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશ અને નેપાળમાં 21 જાન્યુઆરીથી થવાનું છે. આ વિશ્વકપ અગાઉ એશિયા કપ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ તૈયારીનો ભાગ બનશે.જ્યારે મહિલા અંડર-19 એશિયા કપનું આયોજન યુએઈમાં થવાનું છે, જ્યારે અંડર-19 મહિલા ટી-20 વિશ્વકપ 2027નું આયોજન બાંગ્લાદેશ અને નેપાળમાં 21 જાન્યુઆરીથી થનાર છે. ભારત અગાઉની એશિયા કપ સ્પર્ધાનું વિજેતા હોવાથી આ વખતે પણ ખિતાબ જાળવી રાખવાના આશય સાથે મેદાનમાં ઉતરશે. ઓલરાઉન્ડર આખ્સાહ પરમારની એશિયા કપ માટેની ભારતીય ટીમમાં પસંદગી થતા SDCA ના પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાકટર,સેક્રેટરી હિતેશ પટેલ,ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ અને ઉપપ્રમુખ અમિત ગજ્જરે અભિનંદન પાઠવ્યા છે.
--- એશિયા કપ માટેની ભારતીય ટીમ --
--- ભવિકા અહીરેને સુકાનીપદ, અનાદી ટાગડે ઉપસુકાની
15 સભ્યોની ભારતીય ટીમમાં ભવિકા અહીરેને સુકાની અને અનાદી ટાગડેને ઉપસુકાની તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ભારતીય ટીમ: ભવિકા અહીરે (સુકાની અને વિકેટકીપર), ઇરા જાધવ, નિધિ મહેતો, પૂર્વા સિવાન્ચ, મહક નરવસે, મૈત્રી મણિયાર, ઇશ્વરી આવસરે, દિયા યાદવ, શ્રેયા એસ. ચવ્હાણ (વિકેટકીપર), સમાયરા રાઘવ, કુમારી પલક, ઉમા કશવી, આખ્સાહ પરમાર, અનાદી ટાગડે (ઉપસુકાની) અને પલક સિંહ.