સુરત: પાંડેસરા તેરેનામ ચોકડી નજીક આવેલા સિતાનગર-2માં આજે બપોરે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે તેની નજીક આવેલી ચા-નાસ્તાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ટ્રાન્સફોર્મરમાંથી તણખા ઝર્યા બાદ દુકાનમાં આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગમાં દુકાનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ મજુરા અને ઉધના ફાયર સ્ટેશનનો કાફલો ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર સબ ઓફિસર અભિષેક ગઢવીએ જણાવ્યું હતું કે, બપોરે 2:30 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાંથી આગ અંગેનો કોલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં તણખા ઝર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રાન્સફોર્મરની એકદમ નજીક જ ચા-નાસ્તાની દુકાન આવેલી હતી. દુકાનના માલિક ઓમકાર સાહુ બપોરે દુકાન બંધ કરીને બહાર ગયા હતા. આ દરમિયાન આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગને કારણે દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો