સુરત: રાંદેર ઝોનમાં આવેલું જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ 27 માર્ચ-2025થી બંધ હાલતમાં છે. લાંબા સમયથી તાળાં લાગેલા આ એક્વેરિયમને ફરી શરૂ કરવા માટે શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ ખાનગી એજન્સીને રિનોવેશન, આધુનિકીકરણ, સંચાલન અને જાળવણી સોંપવાની દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. અગાઉ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ એક જ ટેન્ડર મળતાં પ્રક્રિયા પડતી મૂકવામાં આવી હતી. ત્યારબાદ બીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં, જેમાં બે એજન્સીઓએ રસ દાખવ્યો હતો, પરંતુ ટેકનિકલ ચકાસણીમાં માત્ર 'ઓનિરોસ હોસ્પિટાલિટી' જ લાયક ઠરી હતી. પરિણામે ભાવની સ્પર્ધા વિના આ એજન્સીની ઓફર આગળ વધી છે. દરખાસ્ત મુજબ એજન્સી 15 વર્ષના કન્સેશન સમયગાળા દરમિયાન મનપાને કુલ રૂ. 52 લાખનું પ્રીમિયમ ચૂકવશે, જેમાં પ્રથમ વર્ષે રૂ. 2.81 લાખથી શરૂ થતું પ્રીમિયમ તબક્કાવાર વધારી દસમા વર્ષથી વાર્ષિક રૂ. 4 લાખ થશે. ત્યારબાદ પાંચ વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવે તો વધારાના રૂ. 23 લાખ ચૂકવવાની ઓફર છે, જેથી 20 વર્ષના સંભવિત કરારમાં મનપાને કુલ રૂ. 75 લાખનું પ્રીમિયમ મળી શકે છે અને લાગુ પડતા ટેક્સ પણ ચૂકવવાના રહેશે.
આ કામગીરી અંગે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, એક્વેરિયમનું રિનોવેશન બે ફેઝમાં કરવામાં આવશે, જેમાં હાલ પ્રથમ ફેઝનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે અને એજન્સી જ તમામ મેઈન્ટેનન્સનું કામ પણ સંભાળશે. રિનોવેશનની કામગીરી 12 મહિનામાં પૂરી નહીં થાય તો 13મા મહિનાથી પ્રીમિયમ ચૂકવવાની જોગવાઈ છે અને કામ વહેલું પૂરું થાય તો તે તારીખથી કન્સેશન સમયગાળો શરૂ થશે. પ્રથમ તબક્કા બાદ બીજા ફેઝનું કામ શરૂ કરાશે, જેમાં એજન્સીને પણ આવક ઊભી થાય તેવા કામો આવરી લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત એજન્સીને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે કઈ કન્સલ્ટન્સી ફાઈનલ કરવી તેની સત્તા મનપા પાસે રહેશે અને તેના માટે શાસકો તથા મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. શહેરીજનો માટે મહત્ત્વની બાબત એ છે કે ટિકિટના દર અગાઉ જે હતા તે જ પ્રમાણે યથાવત્ રાખવામાં આવશે. સ્થાયી અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, બેંગલોરમાં જેવું ભવ્ય અને આધુનિક એક્વેરિયમ સાકાર કરાયું છે, તેવું જ ભવ્ય એક્વેરિયમ હવે સુરતીઓને પણ જોવા મળશે.