વાંકલ: માંગરોળ તાલુકાના શૈક્ષણિક સંકુલોની આસપાસ યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે માંગરોળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.માંગરોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. એમ. દેસાઈ અને પી.એસ.આઈ. સાસલાની સીધી દોરવણી હેઠળ પોલીસ ટીમે વાંકલ ખાતે આવેલી કોલેજ તેમજ હાઈસ્કૂલની આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓની બહાર આવેલી અંદાજે ૧૦ જેટલી દુકાનો (પાન-મસાલાના ગલ્લા અને અન્ય સ્ટોર્સ) તેમજ ૨ મેડિકલ સ્ટોરમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પ્રતિબંધિત તમાકુજનક પદાર્થો, નશાકારક ચીજવસ્તુઓ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું ગેરકાયદેસર વેચાણ ન થાય તે હેતુથી આ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા દુકાનદારો અને મેડિકલ સંચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને નશાકારક દ્રવ્યોનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.માંગરોળ પોલીસની આ કામગીરીને વાલીઓ અને જાગૃત નાગરિકોએ આવકારી છે.